અમરેલીમાં GST અધિકારીઓએ ખેડૂતો પાસે ડોક્યુમેન્ટસ માગતા હોબાળો
22-11-2024
યાર્ડમાં માલ વેચવા જતી વેળા સાત - બાર દાખલાનો દૂરાગ્રહ રાખી
અમરેલી માર્કેટ યાર્ડમાં ચાણ માટે લઈ જવાતી ખેતપેદાશો ખેડૂતની છે કે વેપારીની છે એ બાબતે જી.એસ.ટી. અધિકારીએ ચેકિંગ શરૂ કરતા ખેડૂતોમાં ઉહાપોહ મચી ગયો હતો. •ખેડૂતોએ સાંસદને જાણ કરતા સાંસદે આવી જીએસટી અધિકારીઓને તતડાવી નાખ્યા હતાં. જેનો વિડિયો વાયરલ થયો હતો.
સાંસદને જાણ કરતા સ્થળ પર પહોંચી અધિકારીઓને તતડાવી નાખ્યા, “સાંજે કઈ કચેરી ડોક્યુમેન્ટ આપે?”
અમરેલીના બાયપાસ પાસે જીએસટી અધિકારીઓની ટૂકડી ઉભી રહી ગઈ હતી આ બાયપાસ પાસે આવતા ચલાલા, ધારી, બગસરા પંથકમાંથી માલવાહક વાહનોમાં ખેતપેદાશ જનસીઓ ભરીને અમરેલી યાર્ડમાં વેચાણ અર્થે લઈ જવાતી હતી. એ સમયે આ માલ ખરેકર ખેડૂતનો છે કે વેપારીનો છે એની ખરાઈ કરવા માટે પ્રત્યેક વાહન ચાલક પાસે ડોક્યુમેન્ટ માગવાનું અને ચકાસવાનું શરૂ કર્યું હતું. આ વેળા ખેડૂતો પાસેથી સાત બાર અને આઠ અ પ્રકારનાં ડોક્યુમેન્ટ આપવાના હોતા નથી.
આમ છતાં અધિકારીઓએ આગ્રહ રાખતા ખેડૂતોમાં ઉહાપોહ મચી ગયો હતો. જીએસટી વિભાગના વિચિત્ર ચેકિંગથી નારાજ ખેડૂતોએ સાંસદને જાણ કરતા સાંસદ ભરત સુતરીયા સ્થળ પર દોડી આવ્યા હતા. અને આ પ્રકારની પરેશાની ન કરવા અધિકરીઓને કહેતા ભારે રકઝક થઈ ગઈ હતી. અધિકારીઓ પૂરાવા ડોક્યુમેન્ટનો દુરાગ્રહ રાખતા હતા ત્યારે સાંસદે કહ્યું હતું કે, અત્યારે કઈ કચેરી ખુલ્લી હોય કે ખેડૂતને ડોક્યુમેન્ટ કાઢી આપે? જો ખેડૂત સામે એફ. આી.આર. કરવાની હોય તો મારા ઉપર જ કરી નાંખો એમ કહી અધિકારીઓને તતડાવી નાંખ્યા હતાં.