આજે વીર વિઠ્ઠલભાઈ પટેલની પુણ્યતિથી
22-10-2024
વિઠ્ઠલભાઈ પટેલને સાદર શ્રધ્ધાંજલિ અને સ્મરણાંજલિ
મીઠા સત્યાગ્રહ / દાંડી સત્યાગ્રહ સમયે સરદાર પટેલની અંગ્રેજોએ રાસ ગામેથી ધરપકડ કરી અને આ ધરપકડ કરવા પાછળનો હેતુ મીઠા સત્યાગ્રહને અસફળ બનાવવાનો હતો, પરંતુ સરદાર પટેલે આ સત્યાગ્રહ જેલમાં રહી અસફળ બનવા ન દીધો, અને ગાંધીજીના મક્કમ નિર્ધાર અને નીડરતા હેઠળ સત્યાગ્રહ સફળ રહ્યો. આ સત્યાગ્રહના શરૂઆત અને સફળતાનો પ્રચાર તો ખૂબ જ થયો,પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે શ્રી વિઠ્ઠલભાઈ પટેલે દૂરંદેશી વાપરી તેનો પ્રચાર પ્રસાર વિદેશોમાં પણ કર્યો અને કરાવ્યો હતો.
ઇન્દુલાલ યાજ્ઞિક વર્ષ ૧૯૩૦ દરમ્યાન વિદેશ પ્રવાસે જવાના હતા ત્યારે શ્રી વિઠ્ઠલભાઈ પટેલે મીઠા સત્યાગ્રહના પ્રચાર માટેનું સાહિત્ય અને ફોટાઓ ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા વિદેશ મોકલાવેલ, જેથી આ સત્યાગ્રહ ફક્ત ભારત પૂરતો જ ન રહે પરંતુ આ સત્યાગ્રહની જાણકારી દેશ વિદેશમાં પણ થાય અને ભારતીયોના આઝાદી માટેના મક્કમ મનોબળની જાણ પણ દેશ-વિદેશમાં થાય.