વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની ભરતી કરાશે

07-11-2024

Top News

માનદ વેતનથી હંગામી ધોરણે નોકરી કરવા ઇચ્છુકોએ 16 નવેમ્બર સુધીમાં અરજી કરવી

 વાંકાનેર તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૬ સંચાલક, ૧૫ રસોઈયા તથા ૧૨ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ મધ્યાહન ભોજન શાખા, વાંકાનેર તાલુકા મામલતદારશ્રીની કચેરીએથી અરજી ફોર્મ મેળવી ૧૬/૧૧/૨૦૨૪ સુધીમાં પોસ્ટ મરફતે બંધ કવરમાં પહોંચતું કરવાનું રહેશે. આ અરજી અન્વયે ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે ઉમેદવારે વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીએ સ્વખર્ચે રજુ થવાનું રહેશે.

મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે કામ કરવા ઇચ્છતા ઉમેદાવાર ઓછામાં ઓછા એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. રસોઈયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી નથી, પરંતુ તેમની તંદુરસ્તી સારી હોવી જોઈએ અને કોઈ પણ રોગની દવા ચાલુ ન હોવી જોઇએ. આ તમામ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ તેમજ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

અરજી ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો (રેશનકાર્ડ અથવા લાઈટ બિલ) આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ચૂંટણી કાર્ડની નકલ, કોઈ પોલીસ ફરિયાદ નથી એવું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. અરજી ફોર્મમાં ઉમેદવારે પોતાનો ફોટો ચોંટાડવાનો રહેશે અને ઉમેદવારે મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે.

સંચાલક, રસોઈયા અને મદદનીશ તરીકે સ્થાનિક સંસ્થા (પંચાયત, નગરપાલીકા કે મહાનગરપાલીકા)માં ચૂંટાયેલા અથવા હોદો ધરાવતા હોય કે સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા  હેઠળ નોકરી કરતા કર્મચારી કે તેના પતિ/પત્ની/પુત્રો કે આશ્રીતો, રાજય સરકાર કે કેન્દ્ર સરકારમાં તેમજ રાજય સરકાર કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી અગર તો કર્મચારીઓના પતિ/પત્ની/પુત્ર/પુત્રી કે જે આશ્રિત હોય તે, અનાજ દળવાની ઘંટી ચલાવતી હોય તેવી વ્યકિત, શાકભાજી, મરી-મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતી, કોઈપણ જગ્યાએ માનદ વેતન મેળવતી, હોમગાર્ડઝમાં ફરજ બજાવતી, રાજય સરકાર કે કેન્દ્ર સરકારના જાહેર સાહસ હેઠળ નોકરીમાંથી ફરજીયાત રીતે નિવૃત થયેલ કોઈ રૂખસદ આપેલ હોય કે બરતરફ કરેલી વ્યક્તિ,  સસ્તા અનાજની દુકાન ધારણ કરતા કે સંચાલક/રસોઇયા/મદદનીશ તરીકે નિમણુંક મેળવવા માટે અન્ય કોઈ કારણોસર પાત્રતા ધરાવતા ન હોય તેવી વ્યક્તિ, કોઈપણ ગુનાહિત કાર્ય કરેલ હોય કે તેની સાથે સંકળાયેલ હોય, પોલીસ ફરિયાદ થઈ હોય તેમજ કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય તેમજ તપાસણી સમય ગેરરીતી સંબંધ કસૂરવાર ઠરેલ હોય તેવી વ્યક્તિ, અગાઉ મધ્યાન ભોજન યોજના કેન્દ્રમાં ફરજ બજાવેલ હોય અને ગંભીર ગેરરીતિ સંબંધે છુટા કરેલ હોય તેવી વ્યક્તિ અને વકીલાત જેવા વ્યવસાયમાં જોડાયેલ વ્યક્તિ અરજી કરી શકશે નહીં. 

વધુ માહિતી માટે વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાં સંપર્ક કરવા વાંકાનેર મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates