સિંગતેલમાં સતત પીછેહટઃ વિશ્વબજારમાં ક્રૂડતેલ ઉછળતાં વૈશ્વિક ખાદ્યતેલોમાં પણ તેજી આવી
04-02-2025
દિવેલ, એરંડા હાજર તથા વાયદા બજારમાં ભાવ ઉંચકાયા
મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. સામે કપાસિયા તેલ પણ નરમ હતું. જોકે આયાતી ખાદ્યતેલોના ભાવ ઉંચા બોલાતા હતા. કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં આયાતી ખાદ્યતેલોની આયાત પડતર વધી ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં વૈશ્વિક સ્તરે ખાદ્યતેલોના ભાવ પર અસર દેખાઈ હતી.
દિવેલ, એરંડા હાજર તથા વાયદા બજારમાં ભાવ ઉંચકાયા
મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના તૂટી રૂ. ૧૩૭૦ બોલાયા હતા જ્યારે કપાસીયા તેલના ભાવ ઘટી રૂ.૧૨૬૦ રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં ગોંડલ ખાતે સિંગતેલના ભાવ ઘટી રૂ. ૧૩૪૦ તથા કોટન વોડના રૂ.૧૨૧૦ રહ્યા હતા. ત્યાં કોટન રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૫૫થી ૧૨૬૦ તથા પામતેલના રૂ.૧૩૦૦થી ૧૩૦૫ અને સોયાતેલ રિફાઈન્ડના રૂ.૧૨૨૫ રહ્યા હતા. મુંબઈ બજારમાં આયાતી પામતેલના ભાવ વધી રૂ.૧૩૨૦ રહ્યા હતા જ્યારે સોયાતેલના ભાવ રિફાઈન્ડના રૂ.૧૨૭૦ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૧૨૯૫ તથા રિફાઈન્ડના રૂ.૧૩૯૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ. ૧૩૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૬૦ રહ્યા હતા. મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ઘટતા અટકી રૂ.૪ વધી આવતાં હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૨૦ વધ્યા હતા જ્યારે મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ એરંડા ખોળના રૂ.૨૫૦ તૂટતા હતા જ્યારે અન્ય ખોળોના ભાવ શાંત હતા.
દરમિયાન, વિશ્વબજારમાં આજે મલેશિયા ખાતે પામતેલના વાયદાના ભાવ ૭૨થી ૮૪ પોઈન્ટ વધ્યાના વાવડ હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલ પાછળ ખાદ્યતેલો વધ્યા હતા. ઘરઆંગણે મુંદ્રા-હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૩૧૫થી ૧૩૨૫ તથા સોયાતેલના રૂ.૧૨૫૫થી ૧૨૬૫ અને સનફલાવરના રૂ.૧૩૪૫ રહ્યા હતા. મલેશિયામાં જાન્યુઆરીમાં પામતેલના ઉત્પાદનમાં કુલ ૧૫થી ૧૬ ટકાનો ઘટાડો નોંધાયાના સમાચાર હતા. નવી મુંબઈ બંદરે સનફલાવરના ભાવ ફોરવર્ડમાં રૂ.૧૩૨૦થી ૧૩૩૦ રહ્યા હતા.
કંડલા ખાતે આરબીડી પામોલીનના ભાવ રૂ. ૧૩૧૦ જ્યારે સોયાતેલ ડિગમના ભાવ રૂ.૯૫૦થી ૯૯૫ વિવિધ ડિલીવરીના ફોરવર્ડમાં રહ્યા હતા. મસ્ટર્ડ- સરસવની આવકો રાજસ્થાનમાં ૮૫ હજાર તથા ઓલ ઈન્ડિયા ૨ લાખ ૨૫ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ રૂ.૫૦ વધી રૂ.૯૧૨૫થી ૬૧૫૦ રહ્યા હતા.