સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ખુલતાવેંત છલકાયા, રાજકોટ 1.27 લાખ મણ મગફળી ઠલવાઈ

07-11-2024

Top News

મોરબી રોડ પર કૃષિપેદાશો ભરેલા 750 વાહનોની 8 કિ.મી.લાંબી કતારો

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો દિવાળી વેકેશન નિમિત્તે સપ્તાહ સુધી બંધ રહ્યા બાદ આજે લાભ પાંચમના શુભદિવસથી ખુલ્યા હતા અને ખુલવાની સાથે જ તમામ વાર્ડોમાં મગફળી, કપાસ, સહિત વિવિધ જણસીઓના ઢગલા ખડકાયા હતા. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે એક દિવસમાં જ ૨૫૫૦ ટન એટલે કે ૧,૨૭,૫૦૦ મણની સીઝનની સર્વાધિક મગફળીની આવક નોંધાઈ હતી ઉપરાંત સોયાબીન, ૬૫૦૦ મણ મગ અને ૭૦૦૦ મણ અડદ સહિત વિવિધ જણસીઓની ધોધમાર આવક થઈ હતી.ઉપરાંત જામનગર, મોરબી, વાંકાનેર, ધોરાજી સહિતના સૌરાષ્ટ્રભરના વાર્ડોમાં આજે દિવાળી પછી ખુલતી બજારે કૃષિપેદાશોના સોદાઓનો ધમધમાટ શરુ થયો હતો. રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા બેડી યાર્ડ આસપાસ ખેડૂતો કૃષિપેદાશો ભરીને લાવેલા ૩૫૦થી વધુ મોટાવાહનોની ૮ કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. આ જણસીઓના યાર્ડમાં પથારા કરવામાં આવ્યા હતા અને આખુ યાર્ડ જાણે કૃષિપેદાશોથી છલોછલ ભરાઈ ગયું હતું. ખેડૂતોને આજે મુહુતના સોદામાં સામન્ય ભાવ મળ્યા છે. 

આ વર્ષે મબલખ પાક થયો છે તેવી જણસીઓમગફળીના રૂા.૯૦૦થી ૧૨૫૦, સોયાબીનના રૂ।.૭૫૦થી ૮૯૫ના ભાવ, જ્યારે કપાસના રૂ।.૧૩૪૦થી ૧૫૭૫, મગના રૂા.૧૦૫૦થી ૧૬૨૫ સુધીના ભાવ અને અડદના રૂા.૧૩૯૮થી રૂા. ૧૭૩૪ના ભાવ પ્રતિ મણ (૨૦ કિલો) દીઠ મળ્યા હતા.રાજકોટ સહિત વાર્ડમાં આજે ડુંગળી, બટેટાની પણ ધોધમાર આવક નોંધાઈ હતી અને આરંભે ભાવ ઉંચા, પ્રતિ મણ મહત્તમ રૂા.૭૮૦ સુધી રહ્યા હતા. મોરબી યાર્ડમાં યાર્ડના કામકાજથી આજથી પુનઃશરુ થયા હતા જેમાં કપાસની ૯૦૦૦ મણ અને મગફળીની ૩૦૦૦ મણ આવક થઈ હતી. કપાસના રૂા.૧૪૫૦થી ૧૫૫૦ અને મગફળીના રૂ।.૯૦૦થી ૧૨૫૦ ભાવ મળ્યા હતા. આ ઉપરાંત અન્ય જણસીઓની આવક પણ શરુ થઈ છે. પોરાજીમાં વેકેશન બાદ આજે ખુલતા યાર્ડમાં હરાજીના શ્રીગણેશ થયા હતા. જેમાં કપાસના ભાવ પ્રતિ મણ રૂ।.૧૧૦૦થી ૧૪૦૦ જેટલા ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.

બેડીયાર્ડ ઉપરાંત જામનગર હાપા, મોરબી, ધોરાજી સહિત યાર્ડોમાં દિવાળી વેકેશન પૂરું થવાની સાથે જ ટનબંધ કૃષિપેદાશોનો ઢગલાં

જામનગર યાર્ડમાં આજે લાભપાંચમના મુહુર્તમાં વાર્ડ શરુ થવા સાથે વેપારીઓનું સ્નેહમિલન યોજાયું હતું અને હરાજીની શરુઆત કરવામાં આવી હતી. મગફળીની ધીંગી આવક નોંધાઈ છે. જામનગરમાં આજે મુહુર્તના સોદા વખતે જ ૩૪૫ વાહનોમાં ૧૫૭ ખેડૂતો ૨૩,૦૦૦ ગુણી મગફળીનો જથ્થો લાવીને યાર્ડમાં વેચવા માટે ઠાલવ્યો હતો. મગફળીના એક મણના રૂ।.૯૫૦થી મહત્તમ મુહુર્તના ભાવ રૂ।.૨૨૦૫ સુધી મળ્યા હતા જ્યારે જાડી મગફળીના રૂ।.૯૦૦થી ૧૧૩૦ ભાવ રહ્યા છે.

ગુજરાતમાં આ વર્ષે મગફળીનો રેકોડબ્રેક ૫૮ લાખ ટન પાકનો અંદાજ છે જેમાં ૯૦ ટકા જેવો પાક સૌરાષ્ટ્રમાં થાય છે. સોયાબીનનું પણ વિક્રમી ઉત્પાદન થયું છે. જ્યારે કપાસનું રાબેતામુજબ રહ્યું છે ઉપરાંત નવરાત્રિ પછી પણ વરસાદ આવતા ખેડૂતો તેમનો માલ વેચી શક્યા નથી જેને લઈને આગામી દિવસોમાં વિવિધ જણસીઓના ઢગલા યાર્ડમાં પતા રહેવા અનુમાન છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates