દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની યુનિક ફાર્મર આઈ-ડી મેળવવા માટે નોંધણી શરુ
15-11-2024
DPIAના ભાગરૂપે ‘એગ્રિસ્ટેક પ્રોજેક્ટ” અમલી
જામ ખંભાળિયા: રાજ્યમાં ‘ડિજિટલ પબ્લિક ઈન્ફાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર'ના ભાગરૂપે 'એગ્નિસ્ટેક પ્રોજેક્ટ' અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ઘટકરૂપે ફાર્મર રજીસ્ટ્રીનો સમાવેશ કરાયો છે. ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ અને તેની સાથે લીંક કરેલો મોબાઈલ નંબર, ૭-૧૨, ૮/અ વિગત સાથે ગ્રામપંચાયત કચેરીએ વી.સી.ઈ. તથા તલાટીનો સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
ખેડૂતોએ આધારકાર્ડ, મોબાઈલ નંબર, ૭-૧૨, ૮/અ વગેરે વિગત સાથે ગ્રામ પંચાયત કચેરીએ વી.સી.ઈ. તથા તલાટીનો સંપર્ક કરવા સૂચના
વધુમાં જણાવ્યું છે કે, ફાર્મર રજીસ્ટ્રી હેઠળ રાજ્યના તમામ ખેડૂતોની આધાર લીંક સાથે રજીસ્ટ્રી તૈયાર થશે. તેમજ દરેક ખાતેદારને આધાર કાર્ડની માફક એક ૧૧ અંકનો યુનિક બેનીફીશીયરી આઈ-ડી આપવામાં આવશે. આ આઈ.ડી. થકી યોજનાઓના આયોજન, લાભાર્થીઓન ચકાસણી અને કૃષિ પેદાશોના વેચાણ અને વ્યવસ્થા સરળ બનશે.
રાજ્ય સરકાર દ્વારા કૃષિ લગત વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમૈયસર મળી શકશે. ખેતીવાડી યોજનાઓ હેઠળ અથવા અન્ય હેતુઓ માટે ખેડૂતની ઓળખ અને પ્રમાણપત્રની સુવિધા મળશે. કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ઈનપુટસ અને અન્ય સેવાઓ ખેડૂત સુધી પહોચાડવામાં મદદ મળશે. કૃષિ અને સંલગ્ન વિભાગોની વિવિધ યોજનાના સંકલનથી ખેડૂતોને વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડી શકાશે.