110 ગામને પાણી પૂરું પાડતા સાની ડેમનાં પુનઃનિર્માણની કામગીરી ધીમી
4 દિવસ પહેલા
કલ્યાણપુર, દ્વારકા બારાડી પંથકની જીવાદોરી સમાન
કલ્યાણપુર અને દ્વારકા પંથક માટે જીવાદોરી સમાન સાની ડેમના પુનઃનિર્માણની કામગીરી સાવ મંથર ગતિએ ચાલતી હોવાથી લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. આ કામની ધીમી ગતિ હોવા છતાં કોઈ વિપલ કે સત્તાપક્ષના નેતાઓ હરફ ઉચ્ચારતા ન હોવાથી રોષ વિશેષ બેવડાઈ રહ્યો છે. સાની ડેમ વર્ષોથી કલ્યાણપુર અને દ્વારકા તેમજ બારાડી પંથક માટે અતિ ઉપયોગી સાબિત થયો છે. આ ડેમમાંથી છેલ્લા ૩૦થી વધુ વર્ષોથી બન્ને તાલુકા અને બારાડી ઓખા મંડળના મળી કુલ ૧૧૦ ગામોને પીવાના પાણીની સમસ્યામાંથી છુટકારો મળતો રહેતો હતો. આ ઉપરાંત દસ જેટલા ગામના કિસાનોને સિંચાઈનો લાભ મળતો રહેતો હતો. એના પુનઃનિર્માણ માટે જૂના ડેમને તોડી પાડી નવો ડેમ બનાવવા માટે સિંચાઈ ખાતાએ છેલ્લા પ વર્ષથી કાર્યવાહી આરંભી છે.
આ કામ સિંચાઈ વિભાગે ૨૦૨૦માં કચ્છના અંજારની એજન્સીને અગાઉ ૧૯ કરોડમાં આપ્યું હતુ પણ આ એજન્સીએ રૂ।. ૩.૨૮ કરોડનું જ કામ કર્યું હતુ. એ પછી બીજી એજન્સીને આ કામ ૩૧ કરોડ ૧૯ લાખમાં આપ્યું હતુ.આ કામ બે વર્ષમાં પુરૂ કરવાની મુદ્દત હતી એમાંથી હાલ ૮૦ ટકા જ કામ પુરૂ થયું છે. જે પુરૂ થવામાં આશરે એક થી બે વર્ષ વીતી જાય એવી શક્યતા છે.
જે કામ બે વર્ષમાં પુરૂ કરવાની મુદ્દત હતી એમાંથી હાલ ૮૦ ટકા જ કામ પુરૂ થયું છે, હજુ બે વર્ષ લાગે તેવી શક્યતા
આથી અહીંની જનતા હવે નર્મદા ડેમ આધારિત બની ગઈ છે. અગાઉ ડેમ નબળો બનતા પાણી ભરવામાં આવતુ ન હતુ. એ પછી ડેમ તોડવાની કામગીરી થઈ અને એ પછી હાલ ડેમના નવનિરમાણની કામગીરી ચાલે છે. જેથી છેલ્લા છ વર્ષથી અહીં નર્મદાના નીર પર જનતા નિર્ભર છે.
આ બન્ને તાલુકાને પીવાના પાણી માટે ૧૦થી ૨૫ દિવસે મળે છે. વાસ્તવમાં આ ડેમ તોડી પડાયા બાદ દોઢ વર્ષમાં બની જવો જોઈએ પણ કામની સમયમર્યાદા લંબાતી જતી હોવાથી ખર્ચ મર્યાદા વધવા લાગી છે. આ ડેમની કામગીરી ઠચૂક ઠચૂક રીતે છેલ્લા છ વર્ષથી ચાલી રહી છે. આમ છતાં યોગ્ય મુકામે કામ પહોંચ્યું નથી. હજુ આ કામ પુરું થતાં એક વર્ષથી વધારે સમય પસાર થઈ જાય એમ જણાય છે. આ ડેમ ખાલી ખમ હોવાથી ચોમાસામાં વરસતા લાખો એમ.સી.એફ.ટી વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે. અને સૌરાષ્ટ્રના જળસચય સ્થાનોમાં એક સ્થાન ઘટી ગયું છે. અહીંના લોકોની ફરિયાદ એવી છે કે અહીંના લોકોના પ્રશ્નોની કયારે થ રજૂઆતો કરતા નથી.