PM કિસાન સ્કીમ : ડિસેમ્બરના હપ્તા માટે રજિસ્ટ્રેશન જરૂરી
21 દિવસ પહેલા
અત્યાર સુધીમાં ૧૧.૫૭ લાખથી વધુ ખેડૂતોની નોંધણી, વિનામૂલ્યે રજીસ્ટ્રી કરાવી શકશે
ગાંધીનગર, શનિવાર ગુજરાતમાં પીએમ કિસાન યોજનામાં ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી અનિવાર્ય અને ફરજિયાત કરવામાં આવી હોવાથી ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેમણે ઝડપથી રજીસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ.
રાજ્યમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ, ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ૧૫મી ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી. એગ્રીસ્ટેક-ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા થોડા સમય માટે પોર્ટલ પર નોંધણી બંધ હતી, જે ખામી દૂર થતા હવે નોંધણી પ્રક્રિયા પુનઃ કાર્યરત કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં ગુજરાતના ૧૧.૫૭ લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરી છે. ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી ૨૫મી માર્ચ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા ૩૦મી નવેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત પણે કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું.