પામ ઓઈલ કપાસિયાથી મોંઘું થયું, ૩ માસમાં પામતેલ ૩૩ ટકા વધી ગયું
7 દિવસ પહેલા
સપ્ટેમ્બર-૨૦૨૪માં આયાત ડ્યુટી વધ્યા બાદ સતત ભાવ વધારો
રાજકોટ: હજુ ત્રણ માસ પહેલા જ કપાસિયા કરતા પ્રતિ ડબ્બાએ ૨૦૦ રૂા.જેવા નીચા ભાવે વેચાતું પામતેલ હવે મોંઘુદાટ બન્યું છે. કેન્દ્ર સરકારે તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪થી ફૂડ સૂર્યમુખી, સોયાબીન, પામતેલ ઉપર ૨૭.૫ ટકા આયાત ડયુટી નાંખતા તેમજ રિફાઈન્ડ ઉપર તો ૩૫.૭૫ ટકા જેટલી ડયુટી નાંખતા આ ભાવ વધારાનો દોર શરુ થયો છે જેના પગલે ૧૦૦ દિવસ પહેલા સિંગતેલનો ડબ્બાનો ભાવ કપાસિયા કરતા રૂા.૧૦૦૦થી ૧૧૦૦ વધારે રહેતા તે તફાવત હવે માત્ર ૪૦૦નો રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં ૧૦૦ દિવસમાં પામતેલમાં ૩૩૦ વધ્યા, મગફળીના મબલખ પાકથી ૫૩૫ અને કપાસિયામાં સિંગતેલ આંશિક ઘટયું
તાજેતરમાં ખાદ્યતેલના ભાવ વધારા અંગે સંસદમાં પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યા મૂજબ દેશમાં ખાદ્યતેલની માંગ છે તેમાં ૫૭ ટકા જેટલી ઘટ રહે છે અને તેથી તેલની આયાત કરવી પડે છે. નવેમ્બર-૨૩ની સાપેક્ષે નવેમ્બર-૨૪માં પામોલીનમાં ૩૦ ટકા, સૂર્યમુખી તેલમાં ૨૧ ટકાનો વધારો થયો છે અને સિંગતેલમાં દોઢ ટકા જેવો નજીવો વધારો દેશમાં થયો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ પામતેલ વર્ષ પહેલા ૮૮૦ ડોલર પ્રતિ ટન હતું તે વધીને ૧૨૩૫ ડોલર એટલે કે ૪૦ ટકાનો વધારો ઝીંકાયો છે. યુધ્ધ સહિતની પરિસ્થિતિના પગલે આ ભાવવધારો થયો છે. સૌરાષ્ટ્ર બજારમાં માત્ર ૧૦૦ દિવસમાં પામતેલમાં રૂા.૫૩૫નો વધારો થયો છે અને કપાસિયા તેલમાં રૂા.૩૩૦નો વધારો થયો છે. આ બન્ને તેલ વેચા ફરસાણમાં કંપનીઓથી માંડીને કંદોઈ દ્વારા વપરાય છે. જ્યારે મગફળીના તેલમાં સોએક રૂ।.જેવા ભાવ ઘટયા છે.
પામતેલના ભાવની સાથે ગુજરાતના સ્થાનિક કપાસિયા તેલના ભાવ પણ વધતા સિંગતેલને માર્કેટ બેઝ વધારવાની તક મળી છે. વેપારી સૂત્રો અનુસાર હવે પરગથ્થુ ઉપયોગ માટે લોકો સિંગતેલની પસદગી કરવા લાગ્યા છે. જો કે તેલ લોબી સિંગતેલમાં ભાવ નીચી સપાટીએ સ્થિર રહેવા દેતી નથી. સતત વધઘટ થતી રહે છે. જેના પગલે લોકો સીઝનમાં સિંગતેલ સસ્તુ મળે તેમ માનીને પહેલા દિવાળી પછી ડબ્બાબંધ ખરીદી એક સાથે કરતા તે વલણ ઘટી રહ્યું છે.