56 લાખ ખેડૂતો માટે કોઈ યોજના નથી, કિસાન સહાય 3 વર્ષથી બંધ: ગુજરાત ખેડૂત આગેવાન
24-10-2024
સરકારની સહાયથી ખેડૂતને એક હેક્ટરનો કૃષિ ખર્ચ પણ ન નીકળે
ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ત્યારે આજે સરકારે ખેડૂતો માટે જાહેર કરેલી સહાય અંગે વિવિધ સંગઠનોના કિસાન આગેવાનો તેમજ ખેડૂતોનો સંપર્ક સાધતા આ સહાય તદ્દન અપુરતી હોવાનું જણાવ્યું છે. સરકારની આ નજીવી સહાયથી એક હેક્ટરનો ખર્ચ પણ નીકળે તેમ નથી, ખેડૂતોની આવકમાં થયેલી નુકસાનીનું * વળતર તો દૂરની વાત છે.
કિસાન મોરચાએ કહ્યું આ કમલમ છાપ લોલીપોપ છેઃ ભારતીય કિસાન સંઘની દ્રષ્ટિએ મુખ્યમંત્રી કિસાન સહાયથી પણ ઓછી છે
કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયા તથા તેમની સાથે રહેલા ખેડૂતોએ જણાવ્યું કે, આ કમલમ છાપ લોલીપોપથી વિશેષ નથી, જ્યારે ૧૪ હજાર કરોડથી વધુનું નુકસાન ગયું હોય ધારે ૧૪૦૦ કરોડની સહાયથી ખેડૂતોને કોઈ રાહત મળે તેમ નથી. એટલું જ નહીં, નિયમ પ્રમાણે ૧૫ જિલ્લાના ૧૦૪ તાલુકામાં લીલો દુષ્કાળ છતાં સરકારે તે જાહેર નહીં કરીને આશરે દસ હજાર શું કરોડનું પાકધિરાણ માફ ન કરવું પડે,પશુ સહાય આપવી ન પડે તેવી ચાલ ચાલી છે.
ખેડુત આગેવાનોએ જણાવ્યું કે જાહેર થતી સહાય ચૂકવવામાં પણ ધાંધિયા થાય છે. ઈ. ૨૦૧૯માં ૩૭૫૦ કરોડની ખેડૂત સહાય જાહેર કરાઈ પણ પછી વિધાનસભામાં કબુલ્યું હતું કે ૧૨૪૦ કરોડની જ સહાય અપાઈ છે.
પડધરી પંથકના ખેડૂત આગેવાન રમેશ હાપલિયા, મનોજ ડોબરીયા વગેરેનો સંપર્ક સાધતા જણાવ્યું કે ૩૩ ટકાથી વધુ નુક્સાન હોય તો રૂ।.૨૨ હજાર અને ૬૬ ટકાથી વધુ નુકસાન હોય તો રૂ।.૬૬ હજારની સહાયની ગાઈડલાઈન છે પણ આજે ૩૩ ટકાથી પણ ઓછુ નુકસાન ગણીને સહાય જાહેર થઈ છે. આ સહાયથી ખેડૂતોએ ગુમાવલી આવકની વાત તો દૂર, ખેતી માટે જે ખર્ચ કર્યો છે તે પણ નીકળે તેમ નથી. ગુજરાતના ખેડૂતોની એ કમનસીબી છે કે આજે ખેડૂતો માટે સરકાર પાસે એક પણ યોજના નથી. મુખ્યમંત્રી કિસાન સહાય ત્રણ વર્ષથી બંધ છે. ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ કણસાગરાએ જણાવ્યુ કે સહકારની સહાય ઘણી અપુરતી છે, થોડી રાહત મળે પણ ખેડૂતનો ખર્ચ પણ નીકળે તેમ નથી.સહાય વધારવી જોઈએ.