સુરતમાં એક્સપ્રેસ-વેના અસરગ્રસ્ત ઘણા ખેડૂતોને વળતર ચૂકવાયું નથી
18-11-2024
જિલ્લા સંકલન બેઠકમાં મુદ્દો ઉઠયો
સુરત જિલ્લામાંથી પસાર થતા એકસપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન થઇ હોવાછતા હજુ સુધી ઘણા ખેડુતોને વળતર નહીં ચૂકવાયુ હોવાનો આજની જિલ્લા સંકલન બેઠકમાં પ્રશ્ન ઉઠતા સત્વરે વણતર ચૂકવવા માટે અધ્યક્ષ તરફથી આદેશ થયો હતો. તો બારડોલી નગરપાલિકાના બ્યુટીફિકેશન માટે સત્વરે જગ્યા ફાળવવા તાકીદ કરાઇ હતી.
જમીન સંપાદન કરી દેવાયા બાદ પણ વળતરમાં વિલંબ : બારડોલીમાં બ્યુટીફિકેશન માટે જગ્યા ફાળવવા તાકીદ
અઠવાલાઇન્સ જિલ્લા સેવાસદન ખાતે, આજે જિલ્લા કલેકટરની ગેરહાજરીમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયેલની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્યો દ્વારા પ્રશ્નો પુછાયા હતા.
બારડોલી ધારાસભ્યે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અસ્તાન કન્યા વિદ્યાલયની સામે રેલ્વે ઓવરબ્રિજની બાજુમાં સાત મીટર પહોળા સર્વિસ રોડ તથા સર્વિસ રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવા માટે જગ્યા સંપાદન થઈ નથી. આ કામગીરી ઝડપથી કરવા માટે પ્રશ્ન પુછતા જિલ્લા વિકાસ અધિકારીએ ડીએલઆર ને માપણી તથા પંચાયત માર્ગ અને મકાનવિભાગને જમીન સંપાદનની કાર્યવાહી ઝડપથી કરવા સુચના આપી હતી.
જયારે મગદલ્લા-ધુલીયા નેશનલ હાઈવે નં.૫૩ પર ધુલીયા ચોકડી બ્રિજ નીચેની જગ્યા બારડોલી નગરપાલિકાને બ્યુટીફિકેશન માટે રજુઆત કરતા હાઇવે ઓથોરીટીને ઝડપથી કાર્યવાહી કરવાના અધ્યક્ષસ્થાનેથી આદેશ થયા હતા. જિલ્લા પંચાયત ભાવિનીબેન પટેલે સુરત જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના નિર્માણ માટે જમીનો સંપાદિત થયેલ છે. જેમાં અમુક ખેડુતોને વળતર નહીં ચૂકવાયુ હોવાથી ઝડપથી ચૂકવવા પ્રશ્ન પુછતા જમીન સંપાદન અધિકારીને ઝડપથી વળતર ચૂકવવા તાકીદ કરાઇ હતી.