ખેતરમાં પાક સંરક્ષણ માટે રોકાયેલા યુવાન પર હુમલો કરનાર દીપડો ઝબ્બે

03-02-2025

Top News

ખાંભા તાલુકાના કંટાળા ગામની સીમમાં વનવિભાગે પાંજરું મૂક્યું હતું

ગત રાતે ખાંભાના કંટાળા ગામના ખેતરમાં એક યુવક પર દીપડાએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.એ પછી પાંજરાઓ મૂકી વનવિભાગ દ્વારા દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી હતી.આ દિપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આવી જ રીતે વીરપુર જલારામમાં છેલ્લા ચાર માસથી કાયમી વસવાટ કરવા લાગેલા દીપડાએ શ્વાનોનો સફાયો બોલાવી દીધા બાદ એક બળદને મોતને ઘાટ ઉતારી દેતાં સીમમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

વીરપુરમાં દીપડાએ બળદનું મારણ કર્યું, વનવિભાગે પાંજરા ગોઠવ્યા

ગત રાત્રિના સમયે ખાંભા તાલુકાના કંટાળા ગામના ખેતરમાં એક યુવક પાકનું રખોપું કરવા માટ રાતે રોકાયો હતો, ત્યારે અચાનક આવી ચડેલા દીપડાએ તેની પર હુમલો કરતા ખેડૂતને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના થતાં જ તેની પાસે સૂતેલા લોકો જાગી ગયા હતા અને લોકોએ બૂમો પાડતા દીપડો ખેતરમાંથી ભાગી ગયો હતો.આ ઘટના બન્યા પછી વનવિભાગની ટીમે દીપડાને પકડી પાડવા માટે લોકેશન ગોઠવી પિંજરાઓ મૂકવામાં આવ્યા હતા.જેને પગલે આજે વહેલી સવારે, વનવિભાગના જવાનો પાંજરું ચેક કરવા પહોંચ્યા ત્યારે દીપડો પાંજરે પુરાયેલો હતો. દીપડાને પાંજરામાં સુરક્ષિત રીતે કેદ કર્યા બાદ તેને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યો હતો.દીપડો પકડાઈ જતાં સ્થાનિક ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

વીરપુરના આહાબા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર માસથી એક દીપડો નિત્ય નિવાસી બની ગયો છે. આ દીપડાએ વાડી વિસ્તારમાં અનેક કૂતરાઓનો સફાયો બોલાવી દીધો છે. ગત રાતે આ જ દિપડાએ એક બળદને દબોચી મારણ કરી લીધું હતું. વન વિભાગે દિપડાને પકડવા માટે પાંજરા મુક્યા છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates