કેસર કેરી મહોત્સવ-2025: અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં યોજાશે

14-05-2025

Top News

એક મહિના સુધી 85 સ્ટોલ ખાતેથી ખેડૂતો કરશે કેરીનું સીધું વેચાણ

અમદાવાદ અને ગાંધીનગરના નગરજનો ઉનાળાના બળબળતા તાપ વચ્ચે રસાયણમુક્ત મીઠી કેરીની જ્યાફત હવે ઘર આંગણે જ માણી શકશે. ગુજરાતમાં રસાયણમુક્ત કેરી પકવતા ખેડૂતો કેરીનું વેચાણ સીધું શહેરીજનોને કરીને પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે યોજાનાર આ કેરી મહોત્સવનો કૃષિ મંત્રી રાઘવજી પટેલ આવતીકાલે તા. ૧૪ મે, ૨૦૨૫ના રોજ શુભારંભ કરાવશે. આ પ્રસંગે કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ તેમજ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા પણ ઉપસ્થિત રહેશે. આ કેસર કેરી મહોત્સવ આગામી તા. ૧૩ જૂન એટલે કે, એક મહિના સુધી ચાલશે.

કેસર કેરી મહોત્સવ-૨૦૨૫માં ઉભા કરાયેલા આશરે ૮૫ જેટલા સ્ટોલ ખેડૂત મંડળીઓ, નેચરલ ફાર્મિંગ FPO તેમજ કેરીનું ઉત્પાદન કરતા વ્યક્તિગત ખેડૂતોને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આ મહોત્સવ માત્ર ખરીદીનો પોઈન્ટ જ નહીં, શહેરી ગ્રાહકો અને ગ્રામ્ય ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદ અને વિશ્વાસનું માધ્યમ બનશે.

આ મહોત્સવની મુલાકાત લઈ નગરજનો સીધા કેરી પકવતા ખેડૂતો પાસેથી તાજી અને કાર્બાઇડ ફ્રી કેરી ખરીદી શકશે. આ મહોત્સવમાં નાગરિકોને તલાલા-ગીર, જૂનાગઢ, અમરેલી, કચ્છ, વલસાડ અને નવસારી જેવા પ્રદેશોની સુપ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ કેરીઓ ખરીદી માટે ઉપલબ્ધ થશે.

કેરી પકવતા ખેડૂતો તેમની કાર્બાઈડ ફ્રી કેરી સીધી શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર “કેસર કેરી મહોત્સવ” જેવું એક માધ્યમ પૂરું પાડીને ખેડૂતોને સહાયરૂપ થઇ રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા તેમજ રસાયણમુક્ત અને પ્રાકૃતિક ખેત પેદાશોને પ્રોત્સાહિત કરવા માટે આવા વિશેષ આયોજન હાથ ધરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૦૭થી કેસર કેરી મહોત્સવની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ દર વર્ષે ઉનાળા દરમિયાન આ કેરી મહોત્સવનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩માં યોજાયેલા “કેસર કેરી મહોત્સવ”માં અમદાવાદીઓએ માત્ર એક જ મહિનામાં રેકોર્ડબ્રેક ૨.૭૦ લાખ કિલોગ્રામથી વધુ કેરીની ખરીદી કરી હતી.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates