રાજકોટ યાર્ડમાં જણસીના ઢગલા, 1050 ટન મગફળીની આવક
15-10-2024
મગફળીના 930-1210, કપાસના 1350-2660ના ભાવે સોદા
બે દિવસની રજા બાદ આજે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ખુલતા જ હજારો વાહનોમાં કૃષિપેદાશો ઠલવાઈ હતી અને અનાજ,કઠોળના સોદાનો ધમધમાટ શરુ થયો હતો. રાજકોટ યાર્ડમાં આજે એક દિવસમાં જ ૧૦૫૦ ટન એટલે કે પર,૫૦૦ મણ મગફળીની આવક નોંધાઈ છે જે સીઝનની સૌથી વધારે છે. વીસ-વીસ હજાર મણ કપાસ અને સોયાબીન ઠલવાયા,
અડદ, મગ સહિતના ખરીફ પાકોથી છલકાતું મા.યાર્ડ ખરીફ પાક, અડદની ૫૨૫૦ મણ, મગની ૭૦૦૦ મણની આવક નોંધાઈ હતી.
આ ઉપરાંત ૨૦ હજાર મણ કપાસ અને ૨૦ હજાર મણ સોયાબીનની આવક પણ નોંધાઈ છે. મગફળીના ભાવ પ્રતિ મણ રૂા.૯૩૦-૧૨૧૦ મળ્યા હતા જે ટેકાના ભાવ કરતા આંશિક ઓછા છે. જ્યારે કપાસના ભાવ રૂ।. ૧૩૫૦થી ૧૯૬૦ના ભાવે અને સોયાબીનના મબલખ પાક વચ્ચે રૂા.૭૮૦-૮૭૫ના ભાવે સોદા પડયા હતા. આ ઉપરાંત ખાસ કરીને, નાના, મધ્યમ ખેડૂતોને રવિ સીઝનની તૈયારી માટે તેમજ દિવાળીને ધ્યાને લઈને તેમજ અન્ય ખર્ચ કાઢવા માટે કૃષિપેદાશોના રોકડાની જરૂર હોય છે અને દિવાળી સુધી ભારે માવઠાં જેવું વિઘ્ન ન આવે તો ધૂમ આવક થવાની સંભાવના છે.
સાવરકુંડલાનાં માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની ધીંગી આવક ચાલુ થઈ છે. આ દરમિયાન સોમવારે બપોરના મેઘરાજાની એન્ટ્રી થતા માર્કેટિંગ યાર્ડમાં આવેલ મગફળી પલળી જતાં ભારે નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા હરાજી થયા બાદ વેપારીને મોમાં આવેલ કોળીયો વરસાદે ઝૂંટવી લીધો છે. આમાં વેપારીને પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. સોમવારે અંદાજીત ૯૦૦૦ મણ મગફળીની આવકમાં અંદાજિત ૬૦૦૦ મણ મગફળીને વરસાદથી અસર થવા પામી છે.