હાપા માર્કેટિંગ યાર્ડ મગફળીથી ફરી છલકાતાં આવક કરાઈ બંધ
29 દિવસ પહેલા
ઊંચા ભાવ મળતાં વેચાણ માટે ખેડૂતો ઉમટ્યા
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો દ્વારા ગત રાતે ફરીથી વાહનોની લાંબી કતાર લગાવી હતી, અને ૬૦૦ જેટલા મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગી ગયા હતા. તે તમામ વાહનોમાંથી અંદાજે ૪૫,૦૦૦ ગુણી મગફળી આજે સવારે ઉતારી લેવામાં આવી છે.
મગફળી ભરેલાં ૬૦૦ વાહનોની કતારોઃ ૪૫ હજાર ગુણી મગફળી ઠલવાઇ, તમામની હરાજી પૂર્ણ થયા બાદ નવી આવક શરૂ કરાશે
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના ખૂબ જ ઊંચા ભાવ બોલાતા હોવાના કારણે ખેડૂતો પોતાના વાહનો સાથે હાપા માર્કેટિંગ યાર્ડ માં આવે છે, અને યાર્ડની બહાર આશરે ૬૦૦ થી પણ વધુ મગફળી ભરેલા ટ્રક, ટેમ્પો, બોલેરો, ટ્રેકટર, રીક્ષા છકડા સહિતના વાહનોની કતાર લાગી ગઈ હતી. ખેડૂતો પોતાના વાહનો લઈને ૨૪ કલાક સુધી મગફળીના વેચાણ માટે કતાર બંધ રાહમાં ઊભા રહયા હતા, જ્યારે માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા તમામ ખેડૂતોને ટોકન આપી દેવામાં આવ્યા હતા.
જે ટોકનના આધારે ખેડૂતો ક્રમશઃ પોતાના વાહનોને માર્કેટિંગ યાર્ડમાં લાવ્યા પછી આજે સવારે અંદાજે ૪૫૦૦૦ જેટલી મગફળીની ગુણી માર્કેટિંગ યાર્ડમાં ઉતારી લેવામાં આવી હતી, અને ફરીથી નવા વાહનોની આવકને હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે. તમામ મગફળીની હરાજી ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ફરીથી નવી આવક શરૂ કરાશે.