પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત દેશનું રોલ મોડલ બનશે : કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
12-10-2024
વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા અને ઓછો ખર્ચ આ બધું પ્રાકૃતિક ખેતી દ્વારા જ શક્ય બનશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ગ્લોબલ વોર્મિંગ સામે પ્રાકૃતિક ખેતી જ ટકી શકશે, રાસાયણિક ખાતરના ઉપયોગથી થતી ખેતી નહીં ટકી શકે. જો પાકમાં વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા ઓછા ખર્ચે જોઇતી હોય તો તે પ્રાકૃતિક કૃષિ દ્વારા જ શક્ય બનશે એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વધુ વેગવાન બને તે માટે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની ખાસ ઉપસ્થિતમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિનો મુખ્ય વિષય તરીકે અભ્યાસ કરે અને તેમના દ્વારા વિવિધ પ્રયોગો થકી ખેડૂતો સુધી આ વાતનો પ્રચાર થાય તે આવશ્યક છે. જો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન-વરાપ અને મિશ્ર પાક આ પાંચ આયામોથી અપનાવવામાં આવે તો રાસાયણિક ખેતીના પ્રમાણમાં વધુ ગુણવત્તાસભર અને સારું ઉત્પાદન મળે તેમાં કોઈ શંકા નથી.
પ્રાકૃતિક કૃષિ એ લાંબા સમયગાળા માટેની કૃષિ છે. આથી, ખેડૂતોએ જાણવું જોઈએ કે સતત ત્રણ વર્ષ પ્રાકૃતિક ખેતી કર્યા પછી તેમના ખેતરની જમીન વધુ ફળદ્રુપ અને ઉપજાઉ બનશે. જો સતત ત્રણ વર્ષ સુધી પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અપનાવવામાં આવે તો 100% સારું પરિણામ મળે છે. પ્રાકૃતિક કૃષિ એ માત્ર પાક સુધારણાની વાત નથી પરંતુ, જમીન, પાણી અને હવા બધાની ગુણવત્તા સુધારવાની વાત છે. આથી, પ્રાકૃતિક ખેતી માટે તાલીમ અનિવાર્ય છે તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
નવા ખેડૂતોને રોજબરોજના કૃષિના કામમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ખેડૂત હેલ્પલાઇન પોર્ટલ પર હવે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પણ માર્ગદર્શન-સૂચન આપવામાં આવશે. રાજ્યપાલશ્રીએ સૂચવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીઓમાં માસ્ટર્સ અને પીએચ.ડી. કરતાં વિદ્યાર્થીઓ પણ પ્રાકૃતિક કૃષિ પર રિસર્ચ કરે અને તેને પ્રાધાન્યની આપે તે સમયની માંગ છે.
રાજ્યમાં ગાયોની સંખ્યા વધારવા રાજ્ય સરકારે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયને વધાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, પશુઓને સેક્સડ સીમેન ડોઝથી કુત્રિમ બીજદાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ફી હવે માત્ર રૂ.50 કરવામાં આવી છે. આ પદ્ધતિથી 90% થી વધુ માદા જન્મશે અને નવી જન્મનાર માદા ઉચ્ચ આનુવંશિક ગુણ ધરાવતી હોવાથી ભવિષ્યમાં તેમના દૂધ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે.
આ તકે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, હાલમાં અલગ અલગ જિલ્લાઓમાં અઠવાડિયામાં બે વાર પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે બજાર ભરાય છે. રાજ્ય સરકાર હવે પ્રાકૃતિક ઉત્પાદન કરતા ખેડૂતોને ઝડપથી સર્ટીફીકેટ મળે અને મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા વધુને વધુ લોકો પ્રાકૃતિક શાક, ફળ અને ધાન્ય ખરીદતા થાય તે માટે પ્રયાસરત છે. જેના પરિણામે ગુજરાત દેશમાં પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બનશે. હવે જ્યારે પ્રધાનમંત્રી શ્રી અને મુખ્યમંત્રીશ્રીનું પ્રાધાન્ય પ્રાકૃતિક ખેતી છે ત્યારે વહીવટી તંત્રના પ્રમાણિક અને પરિણામલક્ષી પ્રયાસોની તથા ખેડૂતોના પ્રોત્સાહક પ્રતિભાવની આવશ્યકતા છે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ કચાશ ન રહે તે જોવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, જી.એલ.પી.સી.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષકુમાર બંસલ, આત્માના નિયામક શ્રી સંકેત જોશી, બીજ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ રબારી, પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુનીબેન ઠાકર, ગુજરાત રાજ્ય કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ તથા અન્ય કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિભાગના અધિકારીઓ તથા આગેવાન ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.