ગુજરાતઃ સૌ પ્રથમવાર મોબાઈલ એપના માધ્યમથી પશુધન વસ્તી ગણતરી હાથ ધરાશે

24-10-2024

Top News

જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકમાત્ર જામનગર જિલ્લાની પસંદગી થઈ

અદ્યતન ડેટાના આધારે કરાયેલ પશુધનની ગણતરી ચારાની આવશ્યકતા, રસીકરણ, કૃમિનાશક કામગીરી તેમજ નીતિ વિષયક નિર્ણય લેવામાં ઉપયોગી થશે 
પશુધનની પાંચ વર્ષ પહેલા થયેલ ગણતરીમાં જામનગર જિલ્લામાં ૮.૪૨ લાખ પશુઓ નોંધાયા હતા

જામનગર તા.૨૨ ઓક્ટોબર, કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે કરવામાં આવતી પશુધન વસ્તી ગણતરી અંતર્ગત આ વર્ષે પણ પશુઓની ગણતરી કરી તેનો ડેટા સંગ્રહ કરવામાં આવનાર છે. ૨૫મી ઓક્ટોબરના રોજ જામનગર જિલ્લામાં સૌ પ્રથમવાર મોબાઈલ એપથી પ્રારંભ કરવામાં આવનાર આ ૨૧મી પશુધન વસ્તી ગણતરીને લઈને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે.

પશુધન વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારત દેશના ચાર રાજ્યોમાં ગત જુલાઈ માસમાં પાયલોટ સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકમાત્ર જામનગર જિલ્લાની પસંદગી થઈ હતી. આ પાયલોટ સર્વેમાં શહેરી વિસ્તાર તરીકે કાલાવડ નગરપાલિકાના વોર્ડ નં.૩ અને ગ્રામ્ય વિસ્તાર તરીકે જોડિયા ગામમાં પ્રાયોગિક ધોરણે પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. ૨૫મી ઓક્ટોબરથી શરુ થનાર ૨૧મી પશુધન વસ્તી ગણતરીને અદ્યતન ડેટાના આધારે પશુધનની વિવિધ જાતોની સંખ્યા નક્કી થવાથી ચારાની આવશ્યકતા, રસીકરણ, કૃમિનાશક કામગીરી તેમજ નીતિ વિષયક બાબતોના નિર્ણય લેવામાં ઉપયોગી થશે. આ વર્ષે ૨૧મી પશુધન વસ્તી ગણતરીમાં વિચરતા પશુપાલકોના પશુઓ ઉપરાંત પાંજરાપોળ, ગૌશાળા અને ડેરી ફાર્મનાં પશુઓને પણ આવરી લેવામાં આવશે. જામનગર જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડૉ.તેજસ શુક્લના જણાવ્યા મુજબ, પાંચ વર્ષ બાદ શરુ થનાર પશુધનના ડેટા એકત્ર કરવાની કામગીરી સંપૂર્ણપણે ડીજીટલ સ્વરૂપમાં મોબાઈલ એપ, વેબ એપ અને ડેશબોર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવશે. આ કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂક થયેલી છે.

જામનગર જિલ્લામાં શહેર સહિત છ તાલુકાઓના તમામ ગામોમાં ૯૨થી વધુ ગણતરીદારો જિલ્લા નોડલ અધિકારીના માર્ગદર્શનમાં ઘરે ઘરે જઈ ઓલાદવાર પશુઓની ગણતરી હાથ ધરશે અને પશુઓની નોંધણી કરી રીપોર્ટ કરશે. આ પશુધન વસ્તી ગણતરીને લઈને જિલ્લાના તમામ પશુપાલકો દ્વારા પૂરી માહિતી અપાય અને જરૂરી સહકાર પૂરો પડાય તેવો અનુરોધ છે.

ઉલ્લેખનીય છે કે પશુ વસ્તી ગણતરી અંતર્ગત શહેર અને ગ્રામ્ય કક્ષાએ પાંચ વર્ષ પહેલા થયેલ ગણતરીમાં ગ્રામ્યમાં ૧.૫૧ લાખથી વધુ અને શહેરમાં ૧.૯૮ લાખ મળી જિલ્લામાં ૩.૫૦ લાખ ઘરોનું સર્વેક્ષણ કરાયું હતું. અગાઉ થયેલ ૨૦મી પશુ ગણતરીમાં જિલ્લામાં સૌથી વધુ ૨.૧૪ લાખથી વધુ ઘેટાં, ૧.૬૨ લાખથી વધુ ભેંસ, ૧.૪૩ લાખથી વધુ મરઘા, ૧.૩૯ લાખથી વધુ ગાય, ૧.૩૦ લાખથી વધુ બકરાં, ૨૫,૮૫૬ રખડતી ગાય, ૨૪,૧૫૮ રખડતા શ્વાન, ૧૧૧૫ ઊંટ, ૬૮૧ ઘોડા, ૨૩૯ સસલા, ૫૭ ગધેડા અને ૫૩ ડુક્કર સહિત ૮.૪૨ લાખ પશુઓની નોંધણી થઇ હતી.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates