ગુજરાતઃ કૃષિ વિભાગનો દાવો: ખાતરની ખેંચ નહીં સર્જાય
12-11-2024
આ જ સપ્તાહમાં વધુ ૪૦ હજાર ટન DAP ખાતર ઉપલબ્ધ થશે
રવિ પાકના વાવેતર સમયે ખેડૂતોને પુરતા પ્રમાણમાં ડીએપી ખાતર મળી રહે તે માટે રાજ્ય કૃષિ વિભાગે જરૂરી વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત ખાતર ડેપો પર ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તે માટે પણ આયોજન કરાયુ છે. આ ઉપરાંત રાજ્ય કૃષિ વિભાગે ચાલુ સપ્તાહમાં જ વધુ ૪૦ હજાર મે.ટન ડીએપી ખાતર મંગાવ્યુ છે.
નવેમ્બરમાં ૮૦ હજાર મે.ટનની જરૂરિયાત સામે ૬૭,૬૬૭ મે,ટન ડીએપી ખાતરનો જથ્થો હાજર
રવિપાક માટે ડીએપી ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે વાવણી સમયે જ ખાતર ડેપો ખાલીખમ થયા છે. ખેડૂતો ખાતર માટે ફાંફા મારી રહ્યાં છે. આ તરફ, કૃષિ વિભાગના અધિકારીઓનું કહેવું છેકે, ગુજરાતમાં ડીએપી ખાતરની અછત નથી. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં પુરતા પ્રમાણમાં ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. ઓક્ટોબરમાં એક લાખ મેટ્રિક ટનની જરૂરિયાત સામે ૧.૧૧ લાખ મે.ટન ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ હતો.
આ ઉપરાંત નવેમ્બરમાં ૮૦ હજાર મે.ટન ડીએપી ખાતરની જરૂરિયાત છે જ્યારે ૬૭,૬૬૭ મે.ટન ડીએપી ખાતરનો જથ્થો ખાતર ડેપો પર ઉપલબ્ધ છે. સાથે સાથે ચાલુ સપ્તાહમાં જવધુ ૪૦ હજાર મે.ટન ડીએપી ખાતરનો જથ્થો આવી પહોચશે જેથી ગુજરાતમાં ખેડૂતોને ખાતરની અછત સર્જાવવાનો સવાલ નથી. અમદાવાદ સહિત ગુજરાતમાં ડીએપી ખાતરના ૩૨૧૦ રિટેલરો પાસે ૨૮૫૪૧ ખાતરનો સ્ટોક મોજુદ છે. ખેડૂતોની જરુરિયાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી, સુરત સહિતના જીલ્લાઓમાં ડીએપી ખાતરનો વધુ સ્ટોક રાખવામાં આવ્યો છે. માત્ર ડીએપી જ નહીં, એનપીકે ખાતરનો પણ રાજ્યમાં પુરતો જથ્થો ઉપલબ્ધ છે તે જોતાં ખેડૂતોને ખાતરની અછત સર્જાશે નહી તેવો કૃષિ વિભાગે દાવો કર્યો છે.