ગીરનાં વડા મથક સાસણમાં ઈકો ઝોન સામે 196 ગામના ખેડૂતોએ બંડ પોકાર્યો
19-11-2024
ઈએસઝેડ દૂર નહીં થાય તો ભાજપને જ હટાવી નાખવા ખેડૂતોની પ્રતિજ્ઞા
ગીર પંથકમાં ઈકો ઝોન લાગુ કરવાની પેરવી સામે સાસણનાં હેલીપેડ ખેડૂતોનું સંમેલન યોજાયું હતું. તેમાં ભાજપ, ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ અને વન વિભાગને આડેહાથ લેવામાં આવ્યા હતા. કોઈપણ ભોગે ગૌરના લોકોને ઈકો ઝોન જોઈતો નથી અને જો ઈકો ઝોન દૂર નહી થાય તો હવે ભાજપને જ દૂર કરવા ખેડૂતોએ પ્રતિજ્ઞા લેવી પડશે. ઈએસઝેડના વિરોધમાં મોટી સંખ્યામાં ત્રણ જિલ્લાના ૧૯૬ ગામના ખેડૂતો એકઠા થયા હતા. હેલીપેડથી સાસણ વન વિભાગની કચેરી સુધી ટ્રેક્ટર અને બાઈક સાથે રેલી યોજાઈ હતી.
ગીરના ગામડાઓમાં વન વિભાગની દાદાગીરીથી ત્રસ્ત બનેલા ખેડૂતો હવે ઈકો ઝોનનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સાસણ ખાતે યોજાયેલા સંમેલનમાં સરકાર અનેવન વિભાગ સામે ભારોભાર રોષ વ્યક્ત કરવામાં આવ્યોહતો. વનતંત્રની નીતિના કારણે અનેક ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. અનેક ખેડૂતોને વનતંત્રએ માર માર્યાના દાખલા છે. કાયદામાં ક્યાંય જોગવાઈ નથી કે રાત્રીના સમયે બેટરી નહી કરવાની, રેવન્યુના રસ્તા પર ક્યાંય રોકવાનો અધિકાર નથી, ટ્રેક્ટર કે રોટાવેટર કે ટ્રક રાત્રીના કે દિવસના સમયે ચલાવવાની ક્યાંય મનાઈ નથી છતાં પણ આવા ખોટા કાયદાઓ બતાવી ગીર પંથકના ભોળા માણસોને વનતંત્ર કાયદાના નામે દબાવે છે.
ઈકો ઝોન સિવાયના ખેડૂતોને લગતા વન વિભાગની કનડગતના આકરા સવાલો પૂછતા અધિકારી મુંઝવણમાં મુકાઈ ગયા
અગાઉ ગામમાં અનેક સરકારી પડતર, ખરાબા, ગૌચરની જમીનોહતી આજમીનોને ધીમે-ધીમે જંગલમાં ભેળવી દીધી હવે ખેડૂતોની જમીન પરમીટ હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. રેવન્યુ વિસ્તારમાં સિંહો જ્યારે મારણ કરે ત્યારે ખુદ વનતંત્ર જતેને ખાવા દેતું નથી. મારણ લઈને જંગલમાં કે તેમના માનીતા વિસ્તારમાં નાખવામાં આવે છે. આવી કાયદામાં ક્યાંય જોગવાઈ નથી છતાં ખુદ વનતંત્ર જ તેનો ખુલ્લેઆમ ભંગ કરે છે. હવે ગીરના તમામ લોકોએ વનતંત્રની સામે આવાતમામ મુદ્દે અવાજ ઉઠાવવાનો છે તેવી ખેડૂત આગેવાનોએ હાકલ કરી હતી. ખેડૂત આગેવાનોએ સભાને અનેક મુદ્દેસંબોધન કર્યા બાદ હેલીપેડથી રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો, બાઈક સહિતના વાહનો તથા ચાલીને ખેડૂતો સાસણ નોર્મલ રેન્જ કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં આરએફઓને ખેડૂતો આગેવાનોએ ગીરના ખેડૂતો વતી આવેદનપત્ર આપવા માટે ઓફિસની બહાર બોલાવ્યા હતા.
ત્યારબાદ ઈકોઝોન સિવાયના ખેડૂતોને લગતા વન વિભાગની કનડગતના આકરા સવાલો પુછી મુંઝવણમાં મુકી દીધા હતા. આગેવાનોએ સવાલો પુછ્યા હતાકે, રાત્રીના સમયે બેટરી કરવાની ક્યા કાયદામાં જોગવાઈ છે? ક્યા કાયદામાં જોગવાઈ છે કે ખેડૂતોને ખેતરે નહી જવાનું, ટ્રેક્ટર નહી ચલાવવાના, ways મહેમાન આવે તો પૂછપરછ કરવાની આવા સવાલો પુછતા આરએફઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું. જેથી આગેવાનોએ કહ્યું હતું કે, કાયદામાં ક્યાંય આવી જોગવાઈઓ નથી, હવે વનકર્મીઓ કોઈને ખોટી રીતે રોકે કે પૂછપરછ કરે તો ક્યા કાયદા હેઠળ કાર્યવાહી કરો તેવા સવાલો પુછવા.