કલાયમેટ ચેન્જની અસરથી કાશ્મીરમાં સફરજન, કેસરના ઉત્પાદન પર અસર
14-11-2024
છેલ્લા કેટલાક વર્ષથી હિટવેવ્સને કારણે પાકની ગુણવતા કથળી રહ્યાનો દાવો
કલાયમેટ ચેન્જને કારણે કાશમીરના મુખ્ય પાક સફરજન તથા કેસરના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. કલાયમેટ ચેન્જને કારણે કાશમીરમાં વરસાદની માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે.
પ્રાપ્ત આંકડા પ્રમાણે કાશમીરમાં કેસરનું ઉત્પાદન જે ૧૯૯૭- ૯૮માં અંદાજે ૧૯ ટન રહ્યું હતું તે ૨૦૨૧-૨૨માં ઘટી માત્ર ૩.૪૮ ટન પર આવી ગયું હતું. કેસરની ખેતીની માત્રા પણ ૫૭૦૦ હેકટર પરથી ઘટી ૩૭૦૦ હેકટર પર આવી ગઈ હતી. કેસરના પાકને પૂરતી માત્રામાં વરસાદની આવશ્યકતા રહે છે, પરંતુ ઉનાળામાં લાંબો સમય સુધી વરસાદ ખેંચાઈ જતા પાકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી જ સ્થિતિ સફરજનના પાક પર પણ જોવા મળી રહી છે.
ભારતમાં સફરજનનું ૮૦ ટકા ઉત્પાદન કાશમીરમાં થાય છે, પરંતુ હીટવેવ્સ તથા વહેલા સ્નોફોલને કારણે તેના પાક પર અસર પડી રહી છે. જમ્મુ અને કાશમીરમાં સફરજનું બજાર કદ અંદાજે રૂપિયા ૮૦૦૦ કરોડ જેટલું છે. તાજેતરમાં હિટવેવ્સને કારણે સફરજનના રંગ, કદ તથા એકંદર વિકાસ પર અસર પડી છે જેને કારણે તેના બજાર મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે. સારી ગુણવત્તાના સફરજનની ઉપજ અહીં ઘટી રહી હોવાનું બાગાયતી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. વરસાદમાં ચિંતાજનક ઘટાડો જમ્મુ-કાશમીર વિસ્તારમાં કલાયમેટ ચેન્જની ગંભીર અસર પડી રહ્યાનું સૂચવે છે એમ કાશમીરના સ્થાનિક વેપારીઓ માની રહ્યા છે.