રાજકોટમાં સડેલાં અનાજનું વિતરણ, ગાંધીનગરથી આવેલી ટીમનું ચેકિંગ
19-11-2024
સાંસદ કલેક્ટર પાસે હલકાં અનાજના નમૂના લઈને પહોંચ્યા હતા.
રાજકોટમાં જિલ્લા કલેક્ટર દ્વારા પુરવઠા વિભાગની સંકલન બેઠક યોજાઈ હતી તેમાં સંસદસભ્ય સસ્તા અનાજની દુકાને વિતરીત થતા અખાદ્ય અને સડેલા અનાજના નમુના લઈને પહોંચતા રાજકોટ જિલ્લા પૂરવઠા વિભાગની પોલંપોલ ખુલી પડી હતી. સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઈ હતી અને આજે ગાંધીનગરથી નાયબ નિયામક સાથેની ચેકીંગ ટીમ ધસી આવી હતી. જો કે ગરીબોને સરકાર દ્વારા નિ:શુલ્ક અપાતું અનાજ સડેલું હોવાની ગંભીર ફરિયાદો અન્વયે ભારે વિવાદ સર્જાતા સસ્તા અનાજના દુકાનદારો હાલ પુરતા સતર્ક થઈ ગયા હતા.
ભગવતીપરા અને રૈયારોડ પર દુકાનોમાંથી નમૂના લેવાયા, જો કે પૂરવઠા ખાતું સરપ્રાઈઝ ચેકિંગ કરે તો જ વાસ્તવિકતા ઉજાગર થાય
આજે ગાંધીનગરની ટીમે ભગવતીપરા અને રૈયારોડ ઉપર કે જ્યાંથી સાંસદ રામભાઈ મોકરિયા અને ચેમ્બરના અગ્રણી રાજુ જુંજાએ નમુના લીધા હતા ત્યાંથી નમુના લઈને તે તપાસ માટે લેબોરેટરી મોકલ્યા છે. ગાંધીનગરની આ ટીમની કામગીરી પૂર્વે સસ્તા અનાજના દુકાનદારો એલર્ટ થઈ ગયા હતા ત્યારે સાંસદ વગેરેએ આવું ચેકીંગ પુરવઠા વિભાગે સરપ્રાઈઝ કરવું જોઈએ અને સમયાંતરે કરવું જોઈએ. પરંતુ, રાજકોટ પૂરવઠા તંત્રનો વહીવટ ઓફિસ બેઠા જ ચાલતો હોય તેમ આવી અનેક બાબતો અંગે ચેકીંગ કરીને પગલા લેવાતા નથી તેવી ફરિયાદો છે.