ઈકો ઝોન વિશે ચર્ચા કરો નહીંતર ચિંતન શિબિરમાં ઘૂસી જઈશું
22-11-2024
ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારતાં પોલીસ દોડતી થઇ
છેલ્લાં કેટલાય દિવસોથી ગીર સોમનાથ વિસ્તારમાં ૧૯૬ ગામડાના લોકોએ સરકાર સામે બાંયો ચડાવી છે અને ઈકો ઝોન રદ કરવાની માંગ બુલંદ બનાવી છે. આ સંજોગોમાં સોમનાથમાં સરકારની ચિંતન શિબીર યોજાઇ રહી છે ત્યારે ગીર સોમનાથ વિસ્તારના ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છેકે, જો ઇકો ઝોન મુદ્દે ચર્ચા કરવા બોલાવશો નહી તો, ચિતન શિબીરમાં ઘુસી જઈશું.
અતિવૃષ્ટિમાં કૃષિસહાયથી વંચિત સહિતના મુદ્દે ચર્ચા કરવા મુખ્યમંત્રીનો સમય મંગાયો
ગીરસોમનાથના 196 ગામડાઓનું કહેવુ છે કે, અતિવૃષ્ટીમાં આ વિસ્તારને ભારે નુકશાન વ્હોરવુ પડયુ છે. ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવુ પડયુ છે તેમ છતાં કૃષિ વિભાગે જાહેર કરેલાં કૃષિ સહાય પેકેજનો લાભ મળી શક્યો નથી. આ સમગ્ર વિસ્તારને સહાય પેકેજમાંથી બાકાત રાખવામા આવ્યો છે. આ ઉપરાંત સોમનાથ મંદિરે દર્શન કરવા જવુ હોય તો ૬૦ કિમીના અંતરે ત્રણ ત્રણ ટોલનાકા ઉભા કરી દેવાયા છે.
ગ્રામજનોની રજૂઆત છેકે, ગીરસોમનાથ, જૂનાગઢ અને અમરેલી વિસ્તારમાં ઈકો ઝોન રદ કરો. આ મામલે ચર્ચા કરવા મુખ્યમંત્રીનો ઈમેલ કરીને સમય માંગવામાં આવ્યો છે. આપના નેતા પ્રવિણ રામનું કહેવુ છેકે, હાલ મને પોલીસ નજરકેદ કરવા તૈયારી કરી રહી છે. મારા ઘરની આસપાસ પોલીસ ગોઠવી દેવાઈ એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, શુક્રવારે બપોર સુધી મુખ્યમંત્રી કાર્યાલયના જવાબનો ઈન્તેજાર કરવામાં આવશે ત્યાર પછી કોઈપણ સમયે તલાલથી સોમનાથ સુધી ખેડૂતો રેલી સ્વરુપે જશે. એટલુ જ નહીં, સોમનાથ ખાતે શરૂ થયેલી ચિંતન શિબીરમાં ઘુસી જઈશું.
ગ્રામજનોની આ ચિમકીને પગલે ચિતન શિબીરની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.