ગુજરાતમાં ખાતરની કૃત્રિમ તંગી પાછળ ભ્રષ્ટાચારનો ખેલ

11-11-2024

Top News

DAPની અછત વચ્ચે મિશ્ર ખાતરની ડિમાન્ડ : ખાનગી ઉત્પાદકોને બખ્ખાં

દિવાળી બાદ ખેડૂતો શિયાળુ પાકના વાવેતરની તૈયારીમાં લાગી પડયાં રવિપાક માટે ડીએપી ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે વાવણી સમયે જ ખાતર ડેપો ખાલીખમ થયા છે. ખેડૂતો ખાતર માટે ફાંફા મારી રહ્યાં છે. દરમિયાન, એવી વિગતો બહાર આવી છેકે, ડીએપી ખાતરની અછત વર્તાઇ રહી છે ત્યારે મિશ્ર ખાતરની ડિમાન્ડ વધી છે. આ જોતાં મિશ્ર ખાતરના ખાનગી ઉત્પાદકોને જાણે બખ્ખાં થયાં છે.

ખેડૂત સંગઠનો આક્ષેપ કરી રહ્યાં છેકે, ગુજરાતમાં ખાતરની કૃત્રિમ તંગી પાછળ ભ્રષ્ટાચારનો આર્કોય ખેલ-ષડયંત્ર જવાબદાર છે. ચોમાસુ પાક સદંતર નિષ્ફળ જતાં ખેડૂતો હવે રવિપાક પર આશા રાખી રહ્યાં છે. રવિપાકનુ વાવેતર થયુ છે ત્યારે ભારે વરસાદથી આર્થિક રીતે તબાહ થયેલાં ખેડૂતોની મુસીબત જ ઓછી થતી નથી. હવે વાવણીના સમયે જ ડીએપી ખાતરની કૃત્રિમ અછત સર્જાઈ છે. ખાતર ડેપો પર લાંબી લાઈનો લાગી છે. ખાતર માટે ખેડૂતો આમથી તેમ ફાંફા મારી રહ્યાં છે. આ પરિસ્થિતી વચ્ચે મિશ્ર ખાતરનું ઉત્પાદન વધ્યુ છે. મજબૂર ખેડૂતો મિશ્ર ખાતર ખરીદવા મજબૂર બન્યાં છે. ખેડૂત આગેવાનોનું કહેવુ છેકે, ખાતરની ગુણવત્તા જોનાર જ નથી.

અન્ય રાજ્યોને ખાતરની લ્હાણી, ગુજરાતને ઠેંગોઃ ખાતરના ઉત્પાદન - ફાળવણીના આંકડા સરકાર કેમ છુપાવી રહી છે

આ કારણોસર નકલી ખાતર પધરાવી દેવાય તેવી શંકા ઉભી થઈ છે. ખાતરની ગુણવત્તાને લઈને સરકાર તરફથી કોઈ પગલાં ભરાતાં નથી. હવે સવાલ એ ઉભો થયો છેકે, જો ડીએપી ખાતરની અછત સર્જાઈ છે ત્યારે ખાનગી ખાતર ઉત્પાદકો નાઇટ્રોજન-ફોસ્ફરસ ક્યાંથી લાવે છે તેની તપાસ કરવી જોઈએ. અત્યારે તો ડીએપીની અછતને પગલે મિશ્ર ખાતર ઉત્પાદકોને તો બખ્ખાં થયા છે. ગુજરાતમાં હાલ ૧.૭૫ લાખ મેટ્રીક ટન ખાતરની જરૂરિયાત છે તેની સામે ખાતરનો જથ્થો ઘટાડી દેવાયો છે જે મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખી ધારાસભ્યોએ રજૂઆત સુધ્ધાં કરી છે.

કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ આક્ષેપ કર્યોકે, ડીએપી ખાતરમાં ૧૪ લાખ ટનનો ઘટાડો કરી દેવાયો છે. સાથે સાથે સરકાર ખાતરનું ઉત્પાદન અને ફાળવણીના 1 આંકડા કેમ છુપાવી રહી છે જે શંકાને પ્રેરે છે. ગુજરાતના ઘરઆંગણે ૯૦ ટકા ખાતરનુ ઉત્પાદન થઈ રહ્યુ છે ત્યારે અન્ય રાજ્યોને ખાતરનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે પણ ગુજરાતને ઠંગો દેખાડી દેવાયો છે. સરકારી વેબસાઈટ પર ખાતરની આયાત-નિકાસ ઉપરાંત રાજયવાર ફાળવણીને લઈને પણ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. સમયસર આયોજનના અભાવે ખેડૂતો ખાતર માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates