અમરેલીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ
12-11-2024
'આ તો બાઈટિંગનો માલ છે' તેમ રૂપાલાએ કહેતા આગેવાનોમાં રમૂજ
અમરેલીમાં માર્કેટીંગ યાર્ડ ખાતે આજરોજ ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીના કાર્યક્રમમાં રાજકોટનાં સાંસદ પરસોતમ રૂપાલાએ ખેડૂતોની મગફળી સહકારી સંસ્થાઓએ ખરીદી તેનું તેલ કાઢીને વેંચવાની ટકોર કરી હતી તેમજ મગફળીનું નિરીક્ષણ કરી હાથમાં મગફળી લઈને 'આ તો બાઈટીંગનો માલ છે' તેમ કહેતાં આગેવાનોમાં રમૂજનું મોજુ ફરી વળ્યું હતું.
ખેડૂતોની મગફળી સહકારી સંસ્થાઓએ ખરીદી મૂલ્યવર્ધન માટે તેનું તેલ કાઢી વેચવાની ટકોર
અમરેલી જિલ્લામાં પણ મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જિલ્લામાં ૧૦ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે જેમાં આજે પ્રથમ દિવસે માત્ર એક કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી. જિલ્લાના સૌથી મોટા અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. આજે ૫૦ જેટલા ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ત્રણ ખેડૂતો જ વેચાણ માટે આવતા તેમની મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
અંહી રાજકોટના સાંસદ પુરષોતમ રૂપાલાના હસ્તે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેણે પોતાના ભાષણ દરમિયાન સહકારી સંસ્થાઓને ટકોર કરી હતી કે, અત્યારે નોડલ એજન્સી તરીકે ખેડૂતો પાસેથી લઈને મગફળી સરકારને આપવી પડે છે તેના બદલે ખેડૂતોને મૂલ્યવર્ધનનો લાભ મળે તે માટે અમરેલીની સહકારી સંસ્થાઓ ભેગી થઈને આ મગફળી પિલીને તેલ કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ તેવી ટકોર કરી હતી. બીજી તરફ મગફળીનું નિરીક્ષણ કરતા હાથમાં મગફળી લઈને પુરુષોત્તમ રૂપાલાએ રમૂજ કરતા કહ્યું કે, આ તો બાઈટિંગ નો માલ છે. આવું dકહેતા જ તેમની આસપાસ ઉભેલા નેતાઓ હસી પડયા હતા.