કોઠાસુઝ કોને કહેવાય જો જાણવું હોય તો જાણો આ ખેડુત પાસે.
28-09-2024
ખેતી કરવી એ સામાન્ય વાત નથી એતો જે કરે એ જ જાણે, પરિસ્થિતી સાથે જરૂર પડે લડવું પડે અને જરૂર પડે કદમ પણ મીલાવી રસ્તા કાઢી શકે એ ખેડૂત.
આજે એક એવા ખેડૂતની વાત કરવી છે જેમણે ખારાપાટને પોતાની કોઠાસુઝથી હરીયાળો બનાવી દિધો, એવો વિસ્તાર જ્યાં ખેતી માં એક સિઝન પાક પણ માંડ લેવાતો હતો ત્યાં આ ખેડૂતની હોશીયારીથી 3 સિઝન લેવી શક્ય બની છે અને એ પણ ખારા પાણીથી નહીં પણ ત્રણેય ખેતી મીઠા પાણીથી. આ વિસ્તાર છે અમરેલી જીલ્લાના દરિયા પટ્ટીનો જાફરાબાદ વિસ્તાર અને આ ખેડૂત છે જાફરાબાદના વલડી ગામના પ્રવિણભાઇ સાંખટ
દરિયા પટ્ટીનો આ જાફરાબાદ વિસ્તાર એટલે ખારોપાટ, અહિ જેટલું પણ વરસાદી પાણી આવે તે દરિયામાં વહી જાય અને બની જાય ખારું, સાથે બોરમાંથી પણ સારા મિઠા પાણીની અપેક્ષા બહું ઓછી રાખવાની તો બીજી તરફ ખારા પાણીના કારણે જમીન બગડે તે અલગ, ખેડૂત ગમે એટલો મહેનતું હોય પણ જો મીઠું પાણી જ ના હોય તો એ ખેડૂત શું કરી લેવાનો ? જાફરાબાદના વડલી ગામના પ્રવિણભાઇએ એક જોરદાર રસ્તો કાઠ્યો અને જ્યાં એક સિઝન લેવાના પણ ફાંફા હતાં ત્યાં હવે બાર માસી ખેતીની આશા ઉજળી બની છે. પ્રવિણભાઇએ પોતાની જમીનમાંથી એક વિધા જમીનને ખેતર માંથી તલાવળીમાં તબદીલ કરી નાખી જેથી આખા ખેતરનું વહી જતું પાણી આ તલાવડી મારફત જમીનમાં ઉતરવા લાગ્યું તેને કારણે મીઠું પાણી અને એ પણ બારે માસ મળવા લાગ્યું, હવે પ્રવિણભાઇ બારે માસ ખેતી કરીને ઘઉં, બાજરો, મગફળી, કપાસ, શાકભાજી સહિતના પાકો લઈને દરિયાઈ વિસ્તારમાં મીઠા પાણીની ખેતી કરતા ખેડૂત બન્યા છે તો બીજી તરફ બીજા ખેડૂતો માટે પણ પ્રેરણાનો શ્રોત બન્યા છે. પ્રવિણભાઇ સાંકટની આ સંઘર્ષથી સફળતાની કહાની આપને કેવી લાગી અમને કોમેન્ટબોક્ષમાં જરૂર જણાવજો. સાથે જ તમે જે મુદ્દા જોવા માંગતા હોય તે પણ અમને કોમેન્ટબોક્ષમાં લખજો જેથી એ સ્ટોરી પણ અમે બતાવી શકીએ
જય જવાન, જય કિસાન