માતર APMCના ચેરમેનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો 2 મતથી પરાજય
18 દિવસ પહેલા
કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારને 10 મતો મળતા વિજેતા
માતર એપીએમસીના ચેરમેન પદની ચૂંટણી મંગળવારે યોજાઈ હતી. જેમાં ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડેલા કાળીદાસ પરમારને ૨ મતોથી હરાવી કોંગ્રેસ પ્રેરિત ભુરાભાઈ ભરવાડ વિજેતા બન્યા હતા. ચૂંટણી બાદ માતર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી (ભુરાભાઈ) કોંગ્રેસની પેનલ સાથે વિજય મુદ્રામાં બહાર આવતા કોંગ્રેસના ભુરાભાઈનો રંગ રાખવા ભાજપના ભુરાભાઈએ ભજવી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.
માતર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ચૂંટણી બાદ કોંગ્રેસ પેનલ સાથે વિજય મુદ્રામાં બહાર આવતા તર્ક-વિતર્ક
માતર એપીએમસી ખાતે આગામી અઢી વર્ષની ટર્મ માટે ચેરમેનની ચૂંટણી પોજાઈ હતી. ચેરમેન પદ માટે ભાજપ દ્વારા કાળીદાસ પરમારને ઉમેદવાર ભનાવવામાં આવ્યા હતા. જ્યારે સામાપક્ષે મેન્ડેટ વિના કોંગ્રેસ પ્રેરિત ભુરાભાઈ ભરવાડ ચૂંટણી મેદાનમાં હતા. કાળીદાસ પરમારને વિજેતા બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મહામંત્રીઓ મેદાને ઉતર્યા હતા. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માતરના ભાજપના નેતા અને ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. આ ચૂંટણીમાં ૧૮ મતદારો હતા. ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ભુરાભાઈભરવાડને ૧૦ મત અને કાળીદાસ પરમારને ૮ મત મળ્યા હતા. જેથી ભાજપના મેન્ડેટ પર લોલા ઉમેદવાર ૨ મતોથી હાર્યા હતા.
ચૂંટણી બાદ માતર ભાજપના પૂર્વે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને કોંગ્રેસના નેતા વિજેતા સાથે વિજય મુદ્રામાં બહાર આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી માતર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે અમૂલમાં ભાજપની સત્તા સામે સંઘર્ષ શરૂ કર્યો છે. દૂધ મંડળીઓ દ્વારા પૂર્વ ધારાસભ્યના સમર્થનમાં અગાઉ ઠરાવો કરાયા હતા. ત્યારે એપીએમસીની ચૂંટણી સમયે કોંગ્રેસની પેનલ સાથે પૂર્વ બહાર આવતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. ભાજપ સંગઠન દ્વારા પૂર્વ ધારાસભ્ય સામે કાર્યવાહી કરશે કે કેમ તે અંગે અનેક તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે.