અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોની રોષપૂર્ણ રેલી, બાબરા તાલુકામાં આગેવાનો દ્વારા અપાયું આવેદનપત્ર

26-10-2024

Top News

સરકાર ગરીબ ખેડૂતોના મામૂલી પાક ધિરાણ માફ કરતી નથી.

બાબરા તાલુકા સહિત સમગ્ર અમરેલી જિલ્લાની અતિવૃષ્ટિ સહાય પેકેજમાંથી બાદબાકી કરી નંખાતા આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સંયુક્ત રીતે ભાજપ હાય હાય તેમજ ખેડૂતોને બરબાદ કર્યાના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો આગેવાનોની વિશાળ રેલી મામલતદાર કચેરી સુધી રાજયપાલને સંબોધી આવેદનપત્ર આપી ખેડૂતોની દયનીય પરિસ્થિતનો ચિતાર આપી ન્યાય આપવા માંગ ઉઠાવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, બાબરા તાલુકાના ૫૮ ગામોમાં છેલ્લા વરસાદથી અતિવૃષ્ટિ સજાતા ખેતી પાકો સહિત જાનમાલ, મિલકતોનું નુકસાન થયું છે. ઓગસ્ટ માસથી ચાલુ દિવસો સુધી કુદરતી આફત રૂપે વરસાદી પાણી પડતા ખેતી પેદાશોમાં નુકસાન સાથે ચોથાભાવના ખાતર બિયારણો અને મહેનતનો ખર્ચ માટે પડયા છે. સરકાર દ્વારા જાહેર થયેલા પેકેજમાં અમરેલીની બાદબાકી કરી નાખીને જાહેર થયેલા વિસ્તારોમાં માત્ર ઓગસ્ટ માસ સુધી નુકસાન પેકેજ જાહેર કરતા ખેડૂતોની ક્રૂર મજાક ઉઠાવી છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અને નાના વેપારીના જાનમાલ નુકસાનીનો સર્વે તાત્કાલિક કરી વળતર ચુકવવું જરૂરી હોવાનું કહ્યું હતું.

સરકારના પદાધિકારી માત્ર સરકારની વાહવાહીમાં રત રહેવાથી બાબરા તાલુકામાં છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી અન્યાય થતો આવે છે, તેમ જણાવીને ઉમેર્યું છે કે તાલુકા લેવલે હાલ રેશનિંગ કાર્ડમાં કે.વાય.સી. પ્રક્રિયા થઈ રહી છે પરંતુ દૂરના ગામોથી ખેડૂતો અને ગ્રામજનો તાલુકા લેવલે ધકકા થતાં હોવાથી સમય અને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. જેથી આવી પ્રક્રિયા ગ્રામ્યસ્તરે આટોપવા માટે માંગ ઉઠાવી છે. નવી રવિ કસલ પાક માટે ખાતર બિયારણની તગી ના પડે તે માટે તાલુકા અને ગ્રામ્ય લેવલે સહકારી મંડળી મારફત વિતરણ વ્યવસ્થા ઉભી કરવા પણ માંગ ઉઠાવી હતી.

પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર દ્વારા પોતાના સંબોધનમાં કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોના કર્જ માફ કરનારી સરકાર દયાહીન બની છે. ખેડૂતોની જણસના પૂરતા ભાવો નથી મળતા, વીજ કનેકશનો આપવામાં ગોકળગતી, રોડ રસ્તાના પડતર કામો, તેમજ શાળામાં ઘટતા શિક્ષક સ્ટાફ ગ્રામ્ય સ્તરે પરિવહન માટે એસ.ટી. રૂટો બંધ, મોધા બનતા શિક્ષણ, ગ્રામ્ય સ્તરે અપૂરતી હેલ્થ સુવિધા, સિવિલ હોસ્પિટલમાં તબીબોની ઘટ જેવા અનેક પ્રશ્નોથી જનતા હેરાન છે. ત્યારે કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલી સરકાર જાગે નહિતર જનજનમાં પ્રગટ થતો રોષ આવનારા સમયમાં દાવાનળ બનશે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates