સાવરકુંડલામાં કૃષિ સહાય પેકેજમાં અન્યાયના વિરોધમાં રોષભેર ચક્કાજામ
27-10-2024
સરકારે અમરેલી જિલ્લાને બાકાત રાખતા કચવાટ
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોનાં પાકોને થયેલી નુકશાની સામે ૧૪૨૦ કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવેલું છે. જેમાં અમરેલી જિલ્લાને વંચિત રાખવા આવેલો છે. અમરેલી જિલ્લાનાં ખેડૂતોને થયેલા અન્વાવ સામે સાવરકુંડલા તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરી વિરોષ દર્શાવવામાં આવેલ હતો.
તાકિદે લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોનાં ધિરાણ માફ કરવા અને યોગ્ય રાહત પેકેજ જાહેર કરીને ત્વરિત ચુકવણું કરવાની માંગ સાથે સુત્રોચ્ચાર
અમરેલી જિલ્લાને અવાર-નવાર અન્યાય શા માટે? ગત વર્ષે પણ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલી નુકશાની સામે સર્વે કરાવો નહોતો. આ વર્ષે પણ અમરેલી જિલ્લાને નુકશાની વળતરની સહાયમાંથી વંચિત રાખવામાં આવેલો છે. જેથી અમરેલી જિલ્લા માટે વિશિષ્ટ સહાય પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને થયેલી પાક નુકશાનીનું વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.