અમરેલી જિલ્લાના તમામ કેન્દ્રોમાં બારદાનનો પર્યાપ્ત જથ્થો,રાજુલાને અન્યાય
9 દિવસ પહેલા
રાજુલામાં ખાલી બારદાનના અભાવે ટેકાની મગફળીની મંથરગતિએ ખરીદી
અમરેલી જિલ્લાના તમામ અગિયાર ખરીદી કેન્દ્રોમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી થાય છે. પણ રાજુલામાં ખાલી બારદાનના અભાવે ટેકાના ભાવની મગફળીની ખરીદી સાવ મંથરગતિએ ચાલી રહી છે. અહીં ખરીદીને વેગ આપવા ખાલી બારદાનનો પર્યાપ્ત જથ્થો પુરો પાડવા માગણી થઈ છે. ૨૬૦૦ ખેડૂતોએ મગફળી વેચાણ માટે નોંધણી કરાવી તેમાંથી એક માસમાં માત્ર ૫૦૦ની જ ખરીદી, રોજ માત્ર દસ-વીસ ખેડૂતોની જ મગફળી ખરીદાય છે
રાજુલા તાલુકામાં મગફળીના વેચાણ માટે ૨૬૦૦ ખેડૂતોએ આગોતરા નોંધણી કરાવી છે.એમાંથી બારદાનના અભાવે અને ઓછા બારદાનના કારણે એક માસમાં ફક્ત ૫૦૦ ખેડૂતોની જ મગફળીની ખરીદી થઈ છે. સરકારી ખરીદી ત્રણ માસમાં પુરી કરવાની છે. જો આવી જ ગતિ રહે તો ત્રણ માસમાં ફકત ૧૫૦૦ખેડૂતોની જ મગફળી ખરીદી શકાય એમ છે. બાકીના બધા ખેડૂતોની મગફળી ખરીદ્યા વગર જ પડી રહે એવી સ્થિતિ છે. આની પાછળનું કારણ ખાલી બારદાન કોથળાની ખેંચ છે. અહીં રોજના પાંચ હજાર બારદાનની જરૂરત છે અને એની સામે આવડો જથ્થો ફાળવવામાં આવતો જ નથી.
હાલ સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘમાં પંદર હજાર બોરી ફાજલ પડી છે. એમની ખરીદી અવિરત ચાલી રહી છે. અન્ય કેન્દ્રોમાં પણ કોથળાની કોઈ સમસ્યા નથી. જયારે | રાજુલામાં જ આ સમસ્યા છે એની પાછળ નબળી નેતાગીરી કારણભૂત છે. અહીં બાકી રહેલા ખેડૂતોની સો કોથળા એક ખેડૂત દીઠ ગણીને ઘટ પુરી કરવાની તાતી જરૂર છે. જો આ જથ્થો સિરિયલ તૂટ્યા વગર પુરો પાડવામાં આવે અને રોજના પચાસ ખેડૂતોની મગફળીની ખરીદી થાય તો જ સમય મર્યાદામાં ખરીદી પ્રક્રિયા પુરી થઈ શકે.