465 ખેડૂત ભાઈઓ-બહેનોએ પ્રાકૃતિક કૃષિની માહિતી અને માર્ગદર્શન મેળવ્યું
15-10-2024
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ કાર્યક્રમ યોજાયા
વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત મોરબીમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત ૧૪ ઓક્ટોબર ના રોજ જિલ્લાના તમામ પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અને પ્રવાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
આપણે સૌ જાણીએ છીએ કે, પ્રાકૃતિક કૃષિ એટલે ઝેરમુક્ત કૃષિ, પ્રાકૃતિક કૃષિ એટલે માનવજીવન માટે આશિર્વાદ સમી કૃષિ. આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ એ તાતી જરૂરિયાત છે, ત્યારે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેકટ મોરબી દ્વારા મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વિષે તાલીમ અને મોડલ ફાર્મની મુલાકાત કરાવી પ્રાકૃતિક કૃષિ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ અને મોડેલ ફાર્મની મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનાં ફાયદાઓ વિષે ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી હોવાથી ખેડૂતો ગાયનું પાલન પોષણ કરી શકે છે, સાથે આપના પરિવારને ગાયનું દૂધ મળે છે અને ગૌમૂત્રનો ઉપયોગ પ્રાકૃતિક કૃષિમાં કરીને ઘણો બધો ખેતી ખર્ચની બચત કરી શકાય છે આમ અનેક ફાયદાઓ ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં વધારે માં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે પ્રગતિશિલ ખેડૂતોના ફાર્મ પર મુલાકાત કરાવવામાં આવી હતી.