26 નવેમ્બર - રાષ્ટ્રીય દૂધ દિવસ: વાર્ષિક 172.80 લાખ મે.ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે

27 દિવસ પહેલા

Top News

ગુજરાતના દૂધ ઉત્પાદનમાં ગત 22 વર્ષ દરમિયાન 119.63 લાખ મેટ્રિક ટનનો વધારો; સરેરાશ 10.23 ટકાનો વધારો

સંપૂર્ણ આહાર ગણાતા દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન્સ ઉપલબ્ધ હોવાથી દૂધને એક શ્રેષ્ઠ અને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે. દૂધની મહત્વતાને ઉજાગર કરવા, ભારતમાં દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ આજીવિકાને સમૃદ્ધ બનાવવા માટે દર વર્ષે તા. ૨૬મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનની જન્મ જયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે. 

દૂધ એ માત્ર પોષણક્ષમ આહાર જ નહિ, પરંતુ ભારતના અનેક લોકો માટે આજીવિકાનું માધ્યમ બન્યું છે. ગ્રામીણ ભારતના અનેક નાગરીકો, ખાસ કરીને મહિલાઓ પશુપાલન વ્યવસાય પર નભે છે. પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા નાગરીકોની આવક વધારવા તેમજ પશુની દૂધ ઉત્પાદકતા વધારવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકાઈ છે. પરિણામે આજે ભારત વિશ્વફલક પર “મિલ્ક પ્રોડક્શન હબ” બન્યું છે. 

ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન ૭.૪૯ ટકા
દેશની સાથે-સાથે ગુજરાત રાજ્ય પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. છેલ્લા ૨૨ વર્ષ દરમિયાન સમગ્ર દેશના દૂધ ઉત્પાદનમાં સરેરાશ ૮.૪૬ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે, જેની સામે આ સમયગાળા દરમિયાન ગુજરાતના દૂધ ઉત્પાદનમાં ૧૧૯.૬૩ લાખ મેટ્રિક ટન એટલે કે, સરેરાશ ૧૦.૨૩ ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે ગુજરાત વાર્ષિક ૧૭૨.૮૦ લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન અને ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ૭.૪૯ ટકાના યોગદાન સાથે દેશમાં ચોથા ક્રમાંકે છે. 

ગુજરાતની માથાદીઠ દૂધ ઉત્પાદકતામાં અભૂતપૂર્વ વધારો
ગુજરાતના દૂધ ઉત્પાદનમાં વધારો થતાં, રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતામાં પણ છેલ્લા ૨૨ વર્ષ દરમિયાન અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૦૦-૦૧માં ગુજરાતની માથાદીઠ દૂધની ઉપલબ્ધતા માત્ર ૨૯૧ ગ્રામ પ્રતિ દિવસ હતી. વર્ષ ૨૦૨૨-૨૩માં સમગ્ર દેશની માથાદીઠ દૂધની ઉપલબ્ધતા ૪૫૯ ગ્રામ પ્રતિ દિવસ સુધી પહોંચી છે, ત્યારે ગુજરાતની માથાદીઠ દૂધ ઉત્પાદકતા ૬૭૦ ગ્રામ પ્રતિ દિવસ થઇ છે.

પશુપાલકો અને ગ્રાહકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવતું અમૂલ ફેડરેશન
ગુજરાતમાં પશુપાલકો અને ગ્રાહકો વચ્ચે અમૂલ ફેડરેશન સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. વર્ષ ૧૯૭૩માં માત્ર ૬ સભ્ય સંઘો અને રૂ. ૪૯ કરોડના ટર્નઓવર સાથે શરુ થયેલું અમૂલ ફેડરેશન હાલ ગુજરાતમાં ૧૮ સભ્ય સંઘો ધરાવે છે. આ ૧૮ સભ્ય સંઘોના માધ્યમથી અમૂલ ફેડરેશન પ્રતિદિન રાજ્યભરમાંથી ૩ કરોડ લીટરથી પણ વધુ દૂધ એકત્રિત કરે છે. ગુજરાતમાંથી એકત્રિત કરેલા દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી અમૂલ તેનું ભારતભરમાં તેમજ ૫૦ જેટલા વિવિધ દેશોમાં પણ વેચાણ કરી રહ્યું છે. ડેરી વિકાસના અમૂલ મોડેલે પશુપાલકોનાં સામાજિક આર્થિક વિકાસ માટે આત્મનિર્ભર મોડેલ રચીને વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવ્યું છે.

•    ગુજરાતની માથાદીઠ દૂધ ઉપલબ્ધતા પ્રતિદિન ૨૯૧ ગ્રામ વધીને ૬૭૦ ગ્રામ સુધી પહોંચી
•    ગુજરાતમાંથી એકત્રિત કરેલા દૂધનું અમૂલ ફેડરેશન દ્વારા ૫૦ જેટલા દેશોમાં વેચાણ
•    ગાય, ભેંશ અને બકરીની દૂધ ઉત્પાદકતામાં ક્રમશ: ૫૭%, ૩૮% અને ૫૧%નો વધારો
•    દૂધ ઉત્પાદકતા વધારવા સેક્સડ સીમેન ડોઝની ફી રૂ. ૩૦૦ થી ઘટાડીને રૂ. ૫૦ કરાઈ
•    પશુઓમાં IVF માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળે છે કુલ રૂ. ૧૯,૭૮૦ની સહાય 

ગુજરાતની દૂધ ઉત્પાદકતા વધારવા ગુજરાત સરકારના પ્રયાસો
ગુજરાતને દેશનું ‘મિલ્ક કેપિટલ’ બનાવવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાથ ધરેલા અભિયાનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. ગુજરાતની દૂધ ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.

પાટણ ખાતે “સેક્સડ સીમેન લેબોરેટરી” કાર્યરત કરવાનો નિર્ણય હિતકારી પૂરવાર થઇ રહ્યો છે. આ લેબમાં ઉત્પાદિત થતા સેક્સડ સીમેન ડોઝનાં ઉપયોગથી ૯૦ ટકાથી વધુ પશુઓ સારી ઓલાદની વાછરડી-પાડીને જન્મ આપી રહ્યા હોવાથી રાજ્યની દૂધ ઉત્પાદકતામાં સતત વધારો થઇ રહ્યો છે. આટલું જ નહિ, પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી પણ રૂ. ૩૦૦ થી ઘટાડીને રૂ. ૫૦ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ ઉપરાંત ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન અને એમ્બ્રીઓ ટ્રાન્સફર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા માદા પશુઓ થકી વધુમાં વધુ પશુઓ બચ્ચાને જન્મ આપી શકે તે માટે સરકાર દ્વારા પશુઓમાં પણ IVFને પ્રોત્સાહન આપાઈ રહ્યું છે. પરંતુ તેમાં પશુપાલકને થતા આશરે રૂ. ૨૫,૦૦૦ના ખર્ચ સામે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમજ GCMMF દ્વારા કુલ મળી રૂ. ૧૯,૭૮૦ સહાય આપવામાં આવે છે. જેથી પશુપાલકો માત્ર રૂ. ૫,૦૦૦ ખર્ચીને પશુઓમાં IVF કરાવી શકે.

ગુજરાત સરકારે છેલ્લા ૨૨ વર્ષમાં હાથ ધરેલા આવા અનેક પ્રયાસોના પરિણામે વર્ષ ૨૦૦૦-૨૦૦૧ની સરખામણીએ વર્ષ ૨૦૨૨-૨૩માં દેશી ગાયની દૂધ ઉત્પાદકતામાં ૫૭ ટકા, સંકર ગાયની દૂધ ઉત્પાદકતામાં ૩૧ ટકા, ભેંશની દૂધ ઉત્પાદકતામાં ૩૮ ટકા અને બકરીની દૂધ ઉત્પાદકતામાં સરેરાશ ૫૧ ટકા જેટલો વધારો થયો છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates