ભારત-પાકિસ્તાનના યુદ્ધવિરામ વચ્ચે રાત્રે કચ્છમાં ફરી 12 ડ્રોન દેખાયાં
9 દિવસ પહેલા

ભુજમાં વીજળી ચાલુ, લોકોનો સ્વયંભૂ બ્લેકઆઉટ
ભારત- પાકિસ્તાન વચ્ચે યુધ્ધ વિરામ થયાને હજુ ૨૪ કલાક વીત્યા છે તે વચ્ચે સરહદી કચ્છમાં વધુ ૧૨ જેટલા ડ્રોન દેખાયાની ચર્ચા છે. છેવાડાના અબડાસા તાલુકાના જુદા જુદા ગામોના લોકોએ રાત્રિના સાડા આઠથી નવ આસપાસ ૬ ડ્રોનને જોયા હતા. ખાવડા પંથકમાં પાંચ, મુંદરા તાલુકાના વાંકી પત્રીમાં એક ડ્રોન જોવા મળ્યો હતો. ભુજમાં વીજળી ચાલુ છે પણ લોકોએ બ્લેકઆઉટ રાખ્યો છે.
ખાવડામાં પાંચ, નલિયા, જખૌ, અબડાસા અને મુંદરાના વાંકી પત્રી ગામ મળીને લોકોએ કુલ ૧૨ ડ્રોન જોયાં
અબડાસાના નલિયા, જખૌ તેમજ તેરા ગામ આસપાસ રાત્રિના ૯ વાગ્યાના ગાળામાં ગ્રામજનોને ડ્રોન નજરે પડયા હતા. આ ડ્રોન પાકિસ્તાન તરફથી જ આવ્યા છે કે ભારત તરફથી સર્વેલન્સ કરાઈ રહ્યું છે. તે અંગે અંગે કોઈ સતાવાર બોલવા તૈયાર નથી. ભારત-પાક વચ્ચે સીઝફાયર બાદ ફરી એક વખત કચ્છ સરહદે ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. માત્ર, અબડાસા તાલુકામાં જ નહીં, પાકિસ્તાન સરહદને અડીને આવેલા ખાવડામાં પાંચ તેમજ મુંદરાના વાંકી પત્રી ગામે પણ એક ડ્રોને દેખા દીધી હતી. કચ્છમાં આજે બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યો નથી ત્યારે ડ્રોન દેખાવાનું શરૂ થતા પુનઃલોકોએ અંધારપટ કરવાની જરૂર વર્તાઈ રહી છે. સલામતીના ભાગરૂપે ભુજમાં લોકોએ સ્વયંભુ બ્લેક આઉટ કર્યો હતો.
બે દિવસમાં કચ્છ- બનાસકાંઠામાં પાકિસ્તાન તરફથી ર૪ જેટલા ડ્રોન ઘુસાડવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાક ને ભારતીય સેનાએ તોડી પાડયા હતા જયારે અમુક પરત ફર્યા હતા. કચ્છના સરહદી સિરક્રિક વિસ્તાર અને સરહદી ગામોમાં આ ડ્રોન વારંવાર નજરે પડયા હતા તે વચ્ચે ગત રોજ ભુજ એરફોર્સ પર હુમલાના પ્રયાસે ત્રણ ડ્રોન ઘુસ્યા હતા જેને તોડી પડાયા હતા જયારે નલિયા નજીકના ભાનાડા એરફોર્સ પાસે પણ ડ્રોન ઘુસ્યો હતો.