લાઠી નજીક સિંહને ઉશ્કેરીને લાકડી ઉગામી પજવણીનો વીડિયો વાયરલ
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધારે હોવાથી લાયન શોની ઘટનાઓ વારંવાર બનવા પામે છે તો સિંહોની પજવણીના કિસ્સામાં પણ ભુતકાળમાં અનેકવાર બન્યા છે ત્યારે ફરી એકવાર શેત્રુંજી ડિવિઝનના તાબામાં સિંહને લાકડી ઉગામતો વીડિયો વાયરલ થતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે.
ઈન્સ્ટાગ્રામમાં અપલોડ થયેલા વાયરલ વીડિયો મામલે વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
તાજેતરમાં જ એક સિંહ શખ્સની પાસે આવતો હોય ત્યારે સાવ નજીકથી આ શખ્સ સિંહ સામે લાકડી ઉગામે છે. આ વીડિયો બાબતે શેત્રુંજી ડિવિઝનના ડીએફઓ જયન પટેલે જણાવ્યું હતું કે, આ વીડિયો અંટાળીયા, લુવારીયા બાજુનો ગાગડીયો નદીના પુલ પાસેનો હોવાનુ લાગી રહ્યું છે.
આ ઘટનાની તપાસ એસીએફ અને આરએફઓ કરી રહ્યાં છે. આરએફઓ ગલાણીએ જણાવ્યું હતું કે, આ વીડિયો ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કરવામાં આવ્યો હતો. સિંહ સામે લાકડી ઉગામનાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આમ, સિંહ સામે લાકડી ઉગામવાની ઘટના સામે આવતા સિંહપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.