ગોંડલમાં રેશનકાર્ડ ધારકોને અનાજ સહિતનો અપૂરતો જથ્થો મળતાં દેકારો
ગોંડલ શહેરના રાશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ અને અન્ય ચીજવસ્તુઓનો અપૂરતો જથ્થો મળતો હોવાની બૂમ ઉઠી છે. અહીં જે તે વિસ્તારમાં નિયત દુકાનદારોનો ચાર્જે અન્ય દુકાનદારોને સોપતા બે જ દિવસ દુકાનો ખુલી રાખીને પછી વેંચાણ જ બંધ કરી દેતા હોવાથી વેચાયા વગરનો જથ્થો પડયો રહે છે એ કદાચિત બારોબાર ધકેલાઈ જતો હોવાની લોકો આશંકા સેવી રહ્યા છે.
એક જ દુકાનદારને અનેક દુકાનોનો ચાર્જ હોવાના કારણે દુકાનો સતત બંધ રહેવાની સમસ્યા
ગોંડલના યુવા અગ્રણીએ રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે ગોંડલમાં આવેલ રેશનકાર્ડ દુકાનદારો નાગરિકોને મળવા પ્રાપ્ત જથ્થો આપતા નથી. ઘઉં ,ચોખા, ખાંડ, સહિત ની વસ્તુઓ માત્ર અડધી જ આપવામાં આવે છે. રેશનકાર્ડ ધારકો અને અધિકારીઓની મીલી ભગતના લીધે સામાન્ય માણસને મુશ્કેલી સહન કરવી પડે છે. બીજી તરફ શહેરમાં અનેક રેશનકાર્ડદુકાનો ચાર્જ માં ચાલુ છે. વળી એક જ વ્યક્તિ પાસે અનેક દુકાનોનો ચાર્જ હોવાથી મહિનામાં માત્ર બે દિવસ દુકાનો ખુલ્લી રાખી લોકોને બે દિવસમાં જથ્થો લઈ જવા દબાણ કરવામાં આવે છે.એ પછી દુકાનો જખુલતી નથી. લોકોને જથ્થાની માહિતી આપવા તેમજ આપવાપાત્ર રાશનની વિગતો દર્શાવાતુ બોર્ડ બહાર લગાવવામાં આવે એવી માગણી ઉઠી છે.