અમરેલી જિલ્લામાં આંબામાં પુષ્કળ મોર આવતા કેરીના મબલખ પાકની આશા
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ સારા વાતાવરણ અને ઠંડીના કારણે આંબામાં પુષ્કળ પ્રમાણમાં મોર આવતા અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા વિસ્તારમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આંબામાં મોટા પ્રમાણમાં મોર આવતા આ વર્ષે કેસર કેરીના બમ્પર ઉત્પાદનની આશા સેવાઈ છે.
અનુકૂળ વાતાવરણ રહે અને માવઠું નહીં થાય તો આવતા બે માસમાં કેસર કેરી બજારમાં આવી જશે
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ અનુકૂળ વાતાવરણ અને ઠંડી પડવાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. કારણ કે આંબાના ઝાડમાં પુષ્કળ પ્રમાણમાં મોર આવતા કેરીનું ઉત્પાદન સારું થશે.પાંચ વર્ષ પહેલા તાઉતે વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામાં કેસર કેરીના બગીચાઓમાં ભારે નુકશાન થયું હતું. ત્યારે ખેડૂતો આ નુકસાનીમાંથી માંડ માંડ બહાર આવી રહ્યા છે. અને ચાલુ વર્ષ આંબાના ઝાડમાં મોટા પ્રમાણમાં મોર આવતા ખેડૂતોમાં સારા પાકની આશા બંધાઈ છે.
આંબાના મોરમાં રોગનું પ્રમાણ પણ નહિવત જોવા મળી રહ્યું છે. તેમજ ચાલુ વર્ષ સારા વરસાદને પગલે પાણીના તળ પણ ઉંચા આવ્યા છે. જેનો ફાયદો કેરીના પાકને થશે.આવી રીતે અનુકૂળ વાતાવરણ રહેશે અને માવઠાની શક્યતા નહિવત રહે ત તો આવતા બે માસમાં કેસર કેરી માર્કેટમાં આવતી થવાની ધારણા ખેડૂતો રાખી રહ્યા છે.