સાત કૃષિ વાયદા ઉપરના પ્રતિબંધને પણ હવે ગુડબાય કરવાની જરૂર
દેશનાં અર્થતંત્રનાં એક આધારસ્થંભ એટલે કે કૃષિ કોમોડિટીનાં કારોબારીઓ માટે વિતેલું વર્ષ જાણે સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં ગયું છે. ડિસેમ્બર- ૨૦૨૧ માં સરકારે સાત કૃષિ કોમોડિટીનાં વાયદા બંધ કરવાનો લીધેલો નિર્ણય દર વર્ષે લંબાતો જાય છે. સરકારે મોંઘવારીને કાબુમાં લેવા માટે આ વાયદા એક વર્ષ માટે બંધ કર્યા હતા. પરંતુ મોંઘવારી દૂર થવાને બદલે કારોબારીઓ આ કારોબારથી દૂર થઈ રહ્યા છે. વિશ્વભરમાં વાયદા બજારને કારોબારીઓના ભાવના જોખમ સામે રક્ષણ મેળવવાનું હેજીંગ ટૂલ માનવામાં આવે છે પરંતુ ભારતમાં તેને સટ્ટાખોરી ગણવામાં આવે છે. વેપારીઓ માટે હેજીંગ અને ખેડૂતો માટે પારદશી ભાવ તથા ઓપ્શનનાં શ્રેષ્ઠ વિકલ્પ આપતા સાત કૃષિ કોમોડિટીનાં વાયદા બંધ થયા બાદ બજાર સાથે જોડાયેલા સૌ પરેશાન છે. તેથી જ હવે કારોબારીઓ ગુડબાય ૨૦૨૪ ની સાથે વાયદા ઉપરનાં પ્રતિબંધને પણ ગુડબાય કરવામાં આવે તેવું ઇચ્છે છે.
આંકડા બોલે છે કે સરસવ, સોયાબીન, પામતેલ તથા સોયાતેલ જેવા વાયદા સરકારે બંધ કર્યા ત્યાર બાદ પણ દેશમાં આ તેલોના પુરવઠામાં ૧૦ માંડીને ૪૦ ટકા જેટલો વધારો થયો છે પણ રિટેલ બજારોમાં ભાવમાં ખાસ થટાડો થયો નથી મતલબ કે ગ્રાહકો મોંથુ જ ખરીદે છે અને ખેડૂતોને સસ્તું જ વેચવુ પડે છે. મિલરોને પોતાના જોખમ ઘટાડવા માટે વિદેશી વાયદા ઉપર નિર્ભર રહેવું પડે છે. આ મુદ્દે અત્યાર સુધીમાં સંખ્યાબંધ સમિતીઓ અભ્યાસ કરીને પોતાના મંતવ્યો આપી ચુકી છે પણ વાયદાથી ભાવ વધતા હોવાનું કોઇ સાબિત કરી શક્યું નથી.
ડિસેમ્બર-૨૪માં બજાર નિયામક સેબીએ ફરો એકવાર સાત કોમોડિટી ઉપરના પ્રતિબંધને આગામી ૩૧મી જાન્યુઆરી-૨૫ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આટલી ટૂંકી મર્યાદા માટે પ્રતિબંધ લંબાયો હોવાથી સૌ ને એક આશા જાગી છે કે નવું વર્ષ સોનેરી સવાર લાવશે અને ૨૦૨૫ના ફેબ્રુઆરીથી આ વાયદા ફરી શરૂ થઇ શકે છે.