ખાંડ ઉદ્યોગમાં ઈથેનોલના પ્રવેશ વચ્ચે વર્ષ દરમિયાન સમીકરણો બદલાયા
દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગમાં વિતેલા વર્ષમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ખાંડ ઉદ્યોગમાં ખાંડ ઉપરાંત હવે ઈથેનોલનું ગણિત પણ ઉમેરાયું છે. વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતમાં ઈથેનોલનું મહત્ત્વ વધ્યું છે તથા પર્યાવરણની સુરક્ષા માટે પણ ઈથેનોલ મહત્ત્વનું સાબીત થઈ રહ્યું છે. ભારતમાં ખાંડ ઉદ્યોગથી ઈથેનોલ તરફ શેરડીનું ખાંડનું ડાઈવર્ઝન વધ્યું છે. દેશમાં ઈથેનોલની ઉત્પાદન ક્ષમતા વધી વાર્ષિક ૧૬૮૦થી ૧૯૮૫ કરોડ લીટર સુધી પહોંચી છે. આ પૈકી ૭૪૪ કરોડ લીટરની ક્ષમતા ગ્રેન બેઝડ શ્રઅનાજ આધારીત) તથા ૯૪૧ કરોડ લીટરની ક્ષમતા મોબાસીસ આધારીત રહી છે. દરમિયાન, શેરડીના ઈથેનોલ તરફના ડાઈવર્ઝનના પગલે ખાંડના ઉત્પાદનને અસર પડશે એવી ભીતિ તાજેતરમાં ચર્ચાતી થઈ હતી. જો કે ઈથેનોલનું ઉત્પાદન હવે મકાઈ મારફત પણ થવા માંડ્યું છે.
ભારતમાં ખાંડની નવી મોસમ તાજેતરમાં ઓકટોબરથી શરૂ થઈ છે તથા નવી મોસમમાં પ્રથમ અઢી મહિના દરમિયાન દેશમાં ખાંડનું ઉત્પાદન આશરે ૧૭ ટકા ઘટી ૬૧થી ૬૨ લાખ ટન આસપાસ થયાના વાવડ તાજેતરમાં મળ્યા હતા. ગયા વર્ષે આ આંકડો ૭૪થી ૭૫ લાખ ટનનો નોધાયો હતો. મહારાષ્ટ્રમાં આ વર્ષે ખાંડ મિલોમાં શેરડીનું પિલાણ મોડું શરૂ થયું હતું. કર્ણાટકમાં પણ પિલાણના આરંભમાં વિલંબના સમાચાર આવ્યા હતા.
દેશમાં ઈથેનોલ તરફ ખાંડનું ડાઈવર્ઝન ૨૧થી ૨૨ લાખ ટનથી વધી આશરે ૩૯થી ૪૦ લાખ ટન આસપાસ પહોંચવાની શક્યતા આ વર્ષે બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાં ખાંડનું ઉત્પાદન પાછલા વર્ષના ૩૨૦ લાખ ટનથી સામે નવા ખાંડ વર્ષમાં ઘટી ૨૭૦ લાખ ટન થવાની ભીતિ પણ ખાંડ ઉદ્યોગનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. દેશમાં ખાંડની વાર્ષિક માગ આશરે ૨૯૦ લાખ ટન આસપાસ ગણાય છે. આ ગણિત જોતાં ખાંડની નવી મોસમમાં દેશમાંથી ખાંડની કેટલી નિકાસ શક્ય બનશે? એવો પ્રશ્ન બજારમાં પૂછાતો થયો છે. જો કે મહિના પૂર્વે ઈસ્માએ ખાંડની નવી મોસમ માટેનો ઉત્પાદનનો પ્રાથમિક અંદાજો ૨૯૩ લાખ ટનનો બહાર પાડયો હતો. આ અંદાજ ઈથેનોલ તરફના ડાઈવર્ઝન પછીનો હતો અને ડાઈવર્ઝન અગાઉનો આ આંકડો આશરે ૩૩૩ લાખ ટનનો મહિના પૂર્વે બતાવાયો હતો. જે પાછલા વર્ષે ૩૪૧ લાખ ટન હતો.