ધોરાજી કંડોરણા તાલુકાના દસ ગામોને સિંચાઈ માટે 105 ક્યુસેક જળજથ્થો છોડાયો
જામ કંડોરણા તાલુકાના દૂધીવદર ખાતે આવેલ ફોફળ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ અર્થે પાણી છોડવામાં આવ્યું છે .જેનાથી જામકંડોરણા તાલુકાના પાંચ ગામ અને ધોરાજી તાલુકાના પાંચ ગામના કેનાલ આસપાસના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનો લાભ મળી રહેશે.
કુલ સપાટી ૨૫.૫૦ ફૂટમાં ૯૦ ટકા ડેમ ભરેલો છે, ૧૬૦૦ હેક્ટર જમીન વિસ્તારને મળશે સિંચાઈ
ફોફળ ડેમના અધિકારીએ જણાવ્યું હતું કે ૨૦૨૪/૨૫ ના વર્ષ માટે ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું નક્કી કરવામાં આવતાં હાલ ડેમમાંથી સિંચાઈ અર્થે ૧૦૫ ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે. જેનો ધોરાજી અને જામકંડોરણા તાલુકાના ૧૦ જેટલા ગામો અને ૧૬૦૦ હેક્ટર જમીનને લાભ મળવાનો છે .ડેમની વર્તમાન સપાટી ૨૫ .૫૦ ફૂટની છે તેમજ ૯૦ ટકા ડેમ ભરાયેલો છે ૧૭૦૦ એમસીએફટી પાણી ડેમનો જળસંગ્રહ રહેલો છે.
શિયાળુ પાક ઘઉં, જીરું, ધાણા, ચણા, ડુંગળી, લસણ તુવેર જેવા પાકોનું ખેડૂતોએ વાવેતર કરેલું હોવાથી પાણીની જરૂરિયાત રહેતી હોય છે. સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતો ની માગણીને ધ્યાને લઈજળજથ્થો કેનાલમાં છોડવામાં આવતા કૃષિને રાહત મળી છે.