સોરઠમાંથી પાંચ દેશમાં 2.25 લાખ કિલો કેસર કેરીની નિકાસ
ફળોના રાજા કેસર કેરીની સીઝન અંતિમ તબક્કામાં છે. સોરઠની કેરીની આંતરરાષ્ટ્રીય બજારમાં પણ માંગ રહે છે. આ વર્ષે સોરઠમાંથી ૨૨૫ મેટ્રિક ટન કેરી પાંચ દેશોમાં મોકલવામાં આવી છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૪૧ મેટ્રિક ટન કેરીની વિદેશમાં ઓછી ખપત થઈ છે.
આ વર્ષે કેરીની સીઝન બેથી અઢી સપ્તાહ મોડી શરૂ થઈ હતી, જે હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. સોરઠની કેરીની અન્ય રાજ્ય જ નહીં પરંતુ વિદેશમાં પણ માંગ રહી છે તેથી દેશના સીમાડાઓ ઓળંગી વિદેશમાં પણ કેરીની નિકાસ કરવામાં આવે છે. વિદેશીઓ પણ મન મુકીને કેરીનો સ્વાદ માણે છે. આ વર્ષે અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં કુલ ૧૧૫ટન, યુકે, કેનેડા અને ગેલ્ફ દેશોમાં ૧૧૦ મળી કુલ ૨૨૫ મેટ્રિક ટન એટલે કે કુલ અંદાજે ૨.૨૫ લાખ કિલો કેરી એક્સપોર્ટ કરવામાં આવી હતી. ગત વર્ષે સોરઠમાંથી ૨૯૮ મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા, ગલ્ફ દેશોમાં મોકલવામાં આવી, ૧.૧૨ લાખ મેટ્રિક ટનથી વધુ કેરીનું ઉત્પાદન
આમ, ગત વર્ષની સરખામણીએ ૪૧ મેટ્રિકટન કેરી ઓછી મોકલવામાં આવી છે.જૂનાગઢ જિલ્લાની સરખામણીએ ગીર-સોમનાથમાં વાવેતર વિસ્તાર વધુ છે તેથી જૂનાગઢ જિલ્લામાં ૫૫ મેટ્રિક ટન અને ગીર- સોમનાથમાં ૧,૧૨,૫૪૫ ટન મળી સોરઠમાં ૧,૧૨,૯૦૦ મેટ્રિક ટન જેટલું કેરીનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે બજારમાં કેરીનું આગમન ૨૦થી ૨૨ દિવસ મોડું થયું હતું તેમ છતાં પણ કેરીની પુષ્કળ માંગ રહી છે. તાલાલા યાર્ડમાં તો કેરીની સીઝન પૂર્ણ થઈ છે, જૂનાગઢમાં હજુ કેરીની આવક થઈ રહી છે. આગામી દિવસોમાં હજુ પણ કચ્છની કેરીનું બજારમાં આગમન થશે.