ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે માવઠાનો માર, ખેડૂતો બેહાલ
ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે કમોસમી વરસાદને કારણે પારાવાર નુકસાની થઈ છે. ડૂંગળીનો પાક લગભગ સાફ થઈ ગયો છે. આ વિસ્તારમાં ખેતી આધારીત રોજીરોટી રહી છે. આ સંજોગોમાં કમોસમી વરસાદના કારણે વાવેતરને પારાવાર નુકશાની થતાં ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાઈ રહ્યા હોવાની વેદના ગામના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ખેતીવાડીને નુકસાની માટે સર્વે હાથ ધરવાની રજૂઆતો સરકારી તંત્ર સાંભળતું નથી, ઉપ સરપંચની વ્યથા
ખાંભા તાલુકામાં ત્રાકુડા ગામનાં સેવાભાવી ઉપ સરપંચ ઘનશ્યામભાઈ દૂધાતે કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિનો અંદાજ આપી રજૂઆત કરી છે. આ વિસ્તારમાં માવઠાએ ખેડૂતોને ચિંતાજનક સ્થિતિમાં મૂકી દીધા છે.
ખાંભા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદથી જે નુકસાન થયુ છે તેના સર્વે અંગે બાગાયત વિભાગનેજાણ કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈપ્રકારનો પરીપત્ર કરવામાં આવ્યો નથી. કમોસમી વરસાદથી સૌથી વધુ ડૂંગળીના વાવેતરને નુકસાન થયું છે. ચિંતાજનક સ્થિતિમાં કોઈ ખેડૂત અઘટીત પગલું ન ભરે તે માટે અહીંના સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેકટર ઉપરાંત જિલ્લાનાં ખેતીવાડી અધિકારીને રજુઆત કરવામાં આવી છે. કમોસમી વરસાદથી પાકને નુકશાનીનો સર્વે વહેલાસર હાથ ધરવામાં આવે તો સરકારી મદદ ખેડૂતોને મળી રહે તેવી લાગણી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા દર્શાવવામાં આવી છે.