એક તરફ માવઠાંની આફત બીજી બાજુ ડુંગળીના ગગડતા ભાવથી ખેડૂતો પરેશાન

Short Description :
મહુવા યાર્ડમાં ડુંગળીની દોઢ લાખ ગુણીનો ભરાવો થતા આવક પર રોક
Select Priority :
Slider

મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલના દિવસોમાં ડુંગળીની મબલખ આવક થવા પામી રહી છે જેના કારણે યાર્ડ દ્વારા સફેદ કાંદાની આવક પર રોક લગાવી છે તો બીજી તરફ વેપારી દ્વારા પૂરતા ભાવ નહીં આપતા અને કુદરતી માવઠાની આગાહીના કારણે હાલ લાખો મણ ડુંગળીના ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. જ્યારે આ ભાવ ઘટાડો પણ આયોજનબદ્ધ કાવતરૂ હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે.

શુક્રવારે ડુંગળી ૬૦થી ૧૦૦ રૂપિયે મણ વેચાઈ હતી તો શનિવારે એકાએક ૨૦ રૂપિયા થઈ જતા ખેડૂતો ચિંતામાં

દેશ તેમજ વિદેશ સુધી મોટી માત્રામાં ડુંગળી સપ્લાય કરવા મહુવાએ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે. આ વર્ષે ખેડૂતોએ પોતાની તમામ જમીનો પર ડુંગળીનું મબલખ વાવેતર કર્યું હતું. જ્યારે ગત વર્ષે ૧૫ થી ૨૦ રૂપિયે કિલો ડુંગળી વેચાણી હતી જે તાજેતરમાં ગણતરીના દિવસોમાં એક રૂપિયે કિલો અને ૨૦ રૂપિયે મણ વેચાતા ભારે ગોકીરો મચી જવા પામ્યો હતો. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડયા પર પાટું મારવા જેવો ઘાટ સર્જાવા પામ્યો હતો. આમ તા. ૧૬ને શુક્રવારે ડુંગળી ૬૦થી ૧૦૦ રૂપિયે મણ વેચાઈ હતી તે શનિવારે એકાએક ૨૦| રૂપિયા થઈ ગયા હતા અને તેમ છતાં હજારો મણ ડુંગળી વેચાણી હતી. જ્યારે ખેડૂત આગેવાન દ્વારા પણ આ અંગે યાર્ડમાં સભા યોજી ખેડૂતોને થતા અન્યાય સામે સવાલો ઉઠાવ્યા હતાં. એક તરફ સફેદ ડુંગળી ખરીદનાર મોટો વર્ગ ડીહાઈડ્રેશન પ્લાન્ટવાળા હોય છે. જે મહુવા પંથકમાં અંદાજીત ૧૭૦ જેટલા છે. પરંતુ આ વેપારીઓ દ્વારા પુરતા ભાવ જ નહીં અપાતા નુકસાનીમાં જેટલો ઘટાડો થાય તે હેતુ સાથે હાલ ખેડૂતો ડુંગળી વેચવા મજબુર બન્યા છે.

ગઇકાલે પોણા બે લાખ થેલીની આવક નોંધાઈ છે અને હજુ દોઢ લાખ થેલી વેચાણ વગર પડી છે ત્યારે યાર્ડ દ્વારા સફેદ કાંદા | લાવવા પર રોક લગાવાઈ છે. તો આગામી દિવસોમાં માવઠાની આગાહી આવેલ છે તેવા સંજોગોમાં જે ખેડૂતો પાસે મેડાની વ્યવસ્થા ન હોય તેની અવદશા બેઠી છે. વેપારી અને ડીહાઈડ્રેશનવાળાની પણ હાલની આવી સ્થિતિનો લાભ લઈ મફતના ભાવે ખરીદી કરવાનું ષડયંત્ર હોવાનું ખેડૂત આગેવાન ભરતસિંહ તરેડીએ જણાવ્યું છે. અન્યથા પોસાય તેવા ભાવે માવઠા પહેલા ખરીદી થાય તેવી પણ વ્યાપક માંગણી ઉઠવા પામી છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates