ગુજરાતમાં 6.46 લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાનું વાવેતર
વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૬.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાના અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો છે.ભારતના કુલ એરંડા ઉત્પાદનમાં ૮૧.૪૨ ટકાના ફાળા સાથે ગુજરાત દેશનું સૌથી મોટું એરેંડા ઉત્પાદક રાજ્ય છે.
દેશમાં થતાં કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૮૧ ટકાથી પણ વધારે નોંધાયો
વર્ષ ૨૦૦૩માં રાજ્યનો એરંડા પાકનો કુલ વાવેતર વિસ્તાર માત્ર ૨.૯૦ લાખ હેક્ટર હતો, જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને બમણો એટલે કે, ૬.૪૬ લાખ હેકટર થયો છે. માત્ર વાવેતર વિસ્તાર જ નહિ, એરંડાના ઉત્પાદન અને ઉત્પાદક્તામાં પણ ગુજરાતે સતત વધારો કર્યો છે. વર્ષ ૨૦૦૩માં રાજ્યનું એરંડા ઉત્પાદન ૫.૪૧ લાખ મેટ્રિક ટન હતું, જે વર્ષ ૨૦૨૪માં આશરે ત્રણ ગણા વધારા સાથે ૧૫.૯૫ લાખ મેટ્રિક ટન થયું છે. તેવી જ રીતે, એરંડાની ઉત્પાદક્તા પણ વર્ષ ૨૦૦૩માં ૧૮૬૪ કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી, જે વધીને વર્ષ ૨૦૨૪માં ૨૨૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઈ છે.
ભારતીય જાતનાં એરંડામાં તેલનું પ્રમાણ ૪૮ ટકા હોય છે. આ ૪૮ ટકામાંથી લગભગ ૪૨ ટકા તેલ કાઢવામાં આવે છે. જ્યારે, બાકીનો ૬ ટકા ભાગ ખોળમાં રહી જાય છે. આ તેલમાં રિસિનોલેઈન નામના ટ્રાઈગ્લિસરાઈડ્સ ભરપૂર હોય છે. એટલા માટે જ, એરંડાના તેલનો ઉપયોગ કાચા | માલ તરીકે પેઈન્ટ્સ, લુબ્રિકન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, કાગળ, રબર, ખાદ્ય ઉમેરણો જેવા વિવિધ ઉદ્યોગોમાં વ્યાપક પણે વધી રહ્યો છે. આ ઉપરાંત એરંડાના તેલનો ઉપયોગ હાઈ-સ્પીડ એન્જિન અને વિમાનોમાં લુબ્રિકન્ટ તરીકે, બાયો ડીઝલમાં, પશુ ચિકિત્સામાં અને ઔષધીય કામોમાં પણ વધ્યો છે.